ગુજરાતમાં મેઘરાજાએ વિનાશક બેટિંગ શરૂ કરતાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે 36 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અનેક મોંઘીદાટ કારો પાણીમાં ડૂબી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
વરસાદના આંકડાઓ મુજબ ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 17.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ઉમરગામમાં આશરે સાડા 7 ઇંચ વરસાદ પડ્યો.
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો, 2,244 લોકોનું સ્થળાંતર
સુરત શહેરમાં સવારે 4થી 8 વાગ્યા દરમિયાન 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીએ વહેતી હોવાથી તંત્ર એલર્ટ પર છે. સુરક્ષા માટે ખાડી નજીક રહેતા 2,244 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં
દક્ષિણ ગુજરાતમાં વરસાદી સ્થિતિ ગંભીર બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા હતા. તેમણે સુરત, વલસાડ, નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી સમીક્ષા કરી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપી.
સરકારે નાયબ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે. સાથે જ કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે સહિતના વરિષ્ઠ IAS અધિકારીઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં સવારે 9 વાગ્યા બાદ અચાનક ભારે વરસાદ શરૂ થતાં બોપલ, એસજી હાઈવે, વાડજ, ઉસ્માનપુરા, નારણપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને બોપલ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે.
- અમદાવાદ રેલવે સ્ટેશન (પ્લેટફોર્મ-1): 079-22147997
- સાબરમતી રેલવે સ્ટેશન: 7043028680
- પાલનપુર રેલવે સ્ટેશન: 9484698141
- વીરમગામ રેલવે સ્ટેશન: 9213527587
મુસાફરોને ટ્રેનમાં મુસાફરી પહેલાં ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની અપીલ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
- 24 જુલાઈ: પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા.
- સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી.
- અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા.
- 25 અને 26 જુલાઈએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel