દક્ષિણ ગુજરાતમાં પવન અને ગરજ-વીજ સાથે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી સતત વરસાદ વરસતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, સવારના સમયે નોકરી-ધંધે તેમજ સ્કૂલ-કોલેજ જવા નીકળેલા લોકોને વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના એસ.જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો.
વહેલી સવારે જ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું, જ્યારે વરસાદી માહોલને કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી.

નોકરી-ધંધે જતા લોકોને હાલાકી
સવારના વ્યસ્ત સમયમાં વરસાદ વરસતા ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાયેલા રસ્તાઓ અને ધીમી ટ્રાફિક ગતિને કારણે અનેક સ્થળોએ મુસાફરીનો સમય પણ વધ્યો હતો.
19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
લોકોને સાવચેત રહેવા અપીલ
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, પાણી ભરાયેલા માર્ગો પરથી અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્ર તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel