નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારે પ્રયાસો તેજ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુમ થયેલા લોકોના પરિવારજનોને જરૂરી સહાય, માર્ગદર્શન અને સંકલન ઉપલબ્ધ કરાવી રહી છે. હાલ નેપાળમાં ગુમ થયેલા 30 ગુજરાતીઓની ઓળખ માટેની પ્રક્રિયા અંતર્ગત 29 પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે.
સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) સમગ્ર DNA સેમ્પલિંગ અને ઓળખ પ્રક્રિયાનું સંકલન કરી રહ્યું છે. ગુમ થયેલા લોકોના નજીકના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને DNA પ્રોફાઇલિંગ, નિયુક્ત લેબોરેટરીઓ અને આગળની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ગુમ થયેલા લોકોના પ્રથમ-સ્તરના નજીકના પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સેમ્પલનું DNA પ્રોફાઇલિંગ કરવા માટે દેશભરમાં અધિકૃત ફોરેન્સિક લેબોરેટરીઓ નિયુક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર, આ હેતુ માટે નિયુક્ત તમામ લેબોરેટરીઓમાં DNA પ્રોફાઇલિંગની સેવા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. ગુજરાતમાં આવી છ નિયુક્ત લેબોરેટરીઓ કાર્યરત હોવાથી રાજ્યના પરિવારજનોને સત્તાવાર સુવિધાનો સીધો લાભ મળી રહ્યો છે.
ગુજરાતની 6 લેબમાં થઈ રહ્યું છે DNA પ્રોફાઇલિંગ
એકત્રિત DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી નિયુક્ત લેબોરેટરીઓમાં કરવામાં આવી રહ્યું છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર વિદેશ મંત્રાલય સાથે સંકલનમાં રહીને ભારતમાં એકત્રિત કરાયેલા DNA સેમ્પલના પ્રોફાઇલિંગ તથા નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા વચ્ચે સંકલન કરી રહી છે.
લેબોરેટરીઓ દ્વારા તૈયાર કરાયેલા DNA પ્રોફાઇલિંગના અહેવાલો નેપાળ સરકારે આ હેતુ માટે જાહેર કરેલા સત્તાવાર ઇમેઇલ અને સંપર્ક વ્યવસ્થા મારફતે સીધા નેપાળ સરકાર સુધી મોકલવામાં આવી રહ્યા છે.
NRGF દરેક પરિવાર સાથે કરી રહ્યું છે સીધો સંપર્ક
NRGF ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર દરેક ગુમ થયેલી વ્યક્તિના પરિવારજનો સાથે વ્યક્તિગત રીતે સંપર્ક કરી રહ્યું છે. પરિવારજનોને DNA સેમ્પલ ક્યાં અને કેવી રીતે આપવો, કઈ લેબોરેટરી અધિકૃત છે અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે.
NRGF વિદેશમાં રહેતા Non-Resident Gujaratis અને તેમના પરિવારજનો સાથે પણ સતત સંપર્કમાં છે. વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્ર કરાયા છે કે નહીં તથા ઓળખ પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા સુધી સંકલન
ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કિસ્સાઓમાં NRGF સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીને DNA સેમ્પલ તથા ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે.
કેટલાક કિસ્સાઓમાં વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પહેલેથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. આ માહિતીનું સંકલન કરીને તેને નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.
SEOC, જિલ્લા તંત્ર અને NRGFની સંયુક્ત કામગીરી
નેપાળ પૂર બાદ ગુમ થયેલા અને સંપર્કવિહોણા થયેલા લોકોના પરિવારજનોને સહાય પહોંચાડવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને NRGF સંકલિત રીતે કામ કરી રહ્યા છે.
SEOC અને NRGF દ્વારા તૈયાર કરાયેલી ગુમ થયેલા તથા સંપર્કવિહોણા લોકોની યાદી નેપાળ સરકારને પણ સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર ભારત સરકાર અને નેપાળમાં કાર્યરત કોન્સ્યુલર સત્તાવાળાઓ સાથે પણ સતત સંકલનમાં રહીને ગુમ થયેલા લોકોની શોધ અને ઓળખ માટે કામગીરી કરી રહી છે.
26 ઓગસ્ટના ભોટ કોશી પૂર બાદ શરૂ થઈ DNA ઓળખ પ્રક્રિયા
નેપાળ સરકારે 26 ઓગસ્ટ, 2026ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા અચાનક પૂર બાદ મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયા શરૂ કરી છે.
આ વિનાશક પૂરમાં મોટા પ્રમાણમાં જાનહાનિ, લોકોના વિસ્થાપન અને માળખાકીય નુકસાનના અહેવાલો સામે આવ્યા હતા. અનેક લોકો હજુ પણ ગુમ અથવા સંપર્કવિહોણા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક જિલ્લાઓના લોકો ગુમ
અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોના લોકો ગુમ અથવા સંપર્કવિહોણા હોવાના અહેવાલો છે.
આ પૈકી કેટલાક લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ અને અલગ-અલગ માર્ગો મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. પૂરની દુર્ઘટના બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.
DNA મેચિંગથી પરિવારને મળી શકશે સત્તાવાર પુષ્ટિ
DNA આધારિત ઓળખ પ્રક્રિયા દ્વારા નેપાળમાં મળી આવેલા મૃતદેહો અથવા માનવ અવશેષોના DNAને ગુજરાત, ભારતના અન્ય રાજ્યો તથા વિદેશમાં રહેતા ગુમ થયેલા લોકોના પરિવારજનોના DNA સાથે મેચ કરવામાં આવશે.
આ પ્રક્રિયા દ્વારા ગુમ થયેલા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે અને તેમના પરિવારજનોને તેમની સ્થિતિ અંગે સત્તાવાર પુષ્ટિ મળી શકશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel