મુંબઈના કફ પરેડ વિસ્તારમાંથી માનવતાને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લાંબી તપાસ, મેડિકલ પુરાવા અને 17 જેટલા શંકાસ્પદોના DNA ટેસ્ટ બાદ આખરે સત્ય બહાર આવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ ઘટના સમગ્ર મુંબઈમાં ભારે ચકચાર મચાવી રહી છે અને સમાજમાં સુરક્ષા તેમજ માનવતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
કેવી રીતે સામે આવ્યો ભયાનક મામલો?
મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2025માં યુવતીએ પોતાની દાદીને ઈશારામાં પેટમાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરોને ખબર પડી કે યુવતી લગભગ પાંચ મહિનાની ગર્ભવતી છે. ઘટનાની ગંભીરતા સમજતા હોસ્પિટલ પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં યુવતીના પિતાએ કોઈપણ જાતીય શોષણના આરોપોને નકારી કાઢ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવાની પણ મનાઈ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
દિવ્યાંગ યુવતી હોવાથી તપાસમાં પડકાર
યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસ માટે નિવેદન લેવું મુશ્કેલ બન્યું હતું. વિશેષ કાઉન્સેલિંગ અને સંકેતો દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે શરૂઆતમાં એક પુરુષ અને 17 વર્ષના છોકરાની અટકાયત કરી હતી. જોકે, સચોટ પુરાવા મેળવવા પોલીસે પિતા સહિત કુલ 17 લોકોના DNA સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.
DNA રિપોર્ટથી ખુલ્યું ક્રૂર સત્ય
27 જાન્યુઆરી 2026ના રોજ આવેલા DNA રિપોર્ટમાં ભ્રૂણનો જિનેટિક ડેટા યુવતીના પિતાની સાથે મેળ ખાતો હોવાનું સ્પષ્ટ થયું. આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ માર્ચ 2025 થી 21 સપ્ટેમ્બર વચ્ચે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ ઘટનાએ મુંબઈ સહિત સમગ્ર દેશમાં આક્રોશ ફેલાવ્યો છે. ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓની સુરક્ષા, પરિવારની અંદર થતા ગુનાઓ અને સંવેદનશીલ કેસોમાં ઝડપી ન્યાય અંગે ચર્ચા શરૂ થઈ છે. પોલીસ હવે કેસની વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel