અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે આશ્રમના કબજામાં રહેલી 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પરત લેવા માટે સરકારને લીલીઝંડી આપતા હવે આ જમીન રમતગમતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ઉપયોગમાં લેવાશે. અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે આ નિર્ણય શહેરના સ્પોર્ટ્સ વિઝન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
કેમ લેવાયો જમીન પાછી લેવાનો નિર્ણય?
કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે રજૂ કરેલી દલીલો મુજબ, દાયકાઓ પહેલા આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે, સમય જતાં આશ્રમ વિસ્તારમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ શરૂ થઈ અને અનેક અનધિકૃત બાંધકામો ઉભા થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું. ફાળવેલી મર્યાદા કરતાં વધુ વિસ્તાર પર કબજો જમાવવાનો પણ આરોપ હતો. વધુમાં, ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા આશ્રમ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પણ કોર્ટમાં મહત્વનો પુરાવો બની. કોર્ટે જાહેર જમીન પરના અતિક્રમણને કાયદેસર બનાવવા માટેના પ્રયાસોને નકારી કાઢ્યા.
મોટેરા વિસ્તાર બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નજીક આવેલી આ જમીન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમત કેન્દ્ર તરીકે વિકસાવવા સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ જેવી મેગા ઇવેન્ટ્સ માટે જરૂરી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે આ જમીન મહત્વપૂર્ણ બની શકે છે.
AMCનો વલણ અને આગળની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આશ્રમની 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આશ્રમને અગાઉ અનેક નોટિસો આપવામાં આવી હતી અને યોગ્ય સુનાવણીની તક પણ અપાઈ હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે સરકાર ગમે ત્યારે જમીનનો કબજો મેળવી વિકાસ કાર્યો શરૂ કરી શકે છે.
આ ચુકાદા સાથે જાહેર જમીન પરના ગેરકાયદેસર કબ્જાઓ સામે કડક સંદેશ ગયો છે. સાથે જ અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. આગામી સમયમાં અહીં આધુનિક રમતગમત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel