સાત મેએ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર પરીક્ષા માટે સજ્જ હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વની બાબતો જણાવી છે.
ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. તલાટીની પરીક્ષાને જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે બસ અને ટ્રેનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે ‘ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. તો પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે.