ગૃહસ્થ જીવનમાં સામાન્ય બાબતોમાં દરાર પડવાના કિસ્સાઓ સમાજમાં વધી રહ્યા છે. નડિયાદ મહિલા અભયમની ટીમ પાસે અનેક કેસો આવી રહ્યા છે. જેમાં મોટાભાગના કેસોમાં સમાધાનની સમજણ આપી ગૃહસ્થ જીવનને બચાવવાનો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રકારનો એક કેસ વાત કરીએ તો, પત્ની ઘરખર્ચને પહોંચી વળવા અન્યના ઘરે ઘરકામ કરવા જતી હતી પણ પતિને પત્નીના આ કામથી અણગમો હતો. જેથી પતિ પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. વાત એટલી હદે વણસી કે પતિએ પત્નીને તરછોડવાનું પણ મન મનાવી લીધું હતું. ત્યારે નડિયાદ મહિલા અભયમની ટીમને કોલ મળતા આ કેસમાં સમજણ રાહે પતિને સમજાવી ગૃહસ્થ જીવનને તૂટતા બચાવ્યું છે.
નડિયાદ મહિલા અભયમને કોલ મળ્યો હતો. જેમાં પીડીતાએ જણાવેલ કે, તેના પતિ વ્યસન કરીને ઝગડો અને મારપીટ કરે છે. જેથી અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં પીડીત મહિલાએ જણાવ્યું કે, લગ્ન જીવનના 8 વર્ષ થઈ ગયા છે. અને એક 7 વર્ષનો સંતાન પણ છે. પતિ વ્યસન કરી નાની નાની વાતે ઝગડા કરે છે અને મારપીટ કરે છે. પીડીત મહિલા છેલ્લા 5 માસથી ઘર ખર્ચને પહોંચી વળવા અન્યના ઘરનુ ઘરકામ કરવા તેણીના સાસુ અને જેઠાણી સાથે જાય છે.
બસ પતિને પોતાની પત્ની આ રીતે કામ કરવા જાય છે તે પસંદ ન આવતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. તેવી હકીકત મહિલા અભયમની ટીમને જાણવા મળી હતી. જે બાદ અભયમની ટીમે પતિની પુછપરછ કરી હતી તો પતિએ કહ્યું કે, તેણીની કામે જાય છે તે મને પસંદ નથી અને એને મારે રાખવી નથી છૂટાછેડા આપી દેવા છે. આ તરફ પીડિતાએ પણ જવાબ આપ્યો કે, કામે જવાની વાત હતી તો તેમની મંજૂરી પછી કામ ચાલુ કર્યું કારણે કે ઘરનું પૂરું થતું ન હોય કામ કરવુ જરૂરી હતું. અભયમની ટીમે તેણીના પતિને કામ બાબતે સમજવ્યા અને પુત્રના ભવિષ્ય બાબતે તેમજ કાયદા વિશે માહિતી આપી સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં પીડિતાના પતિને તેની ભૂલ સમજાતા પોતાની પત્ની સાથે ઝગડો નહી કરું તેવી બાંહેધરી આપી હતી. આમ 181 ટીમે એક દંપતીનો ઘરસંસાર ઉજાળતો બચાવ્યો છે.