ભારતમાં ચૂંટણીની શરૂઆત થઇ ચૂકી છે. એવામાં જો આપણે 1951-52માં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને વર્ષ 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીના ડેટા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. છેલ્લા 73 વર્ષોમાં માત્ર મતદારોની સંખ્યામાં જ નહિ પરંતુ મતની ટકાવારી, મતદાન મથક, પોલીસ કર્મચારી, ચૂંટણી લડતા પક્ષો તેજ ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો છે. એવામાં લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા આવા જ કેટલાક રસપ્રદ આંકડા જોઈએ.
કેટલા તબક્કામાં મતદાન થયું હતું?
દેશની પ્રથમ લોકસભા ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી એમ લગભગ ચાર મહિના સુધી ચાલી હતી. જેમાં કુલ 17 દિવસ મતદાન થયું હતું. જયારે 2019ની લોકસભા ચૂંટણી 11 એપ્રિલ 2019 થી 19 મે 2019 સુધી કુલ 7 તબક્કામાં યોજાઈ હતી.
વર્ષ 1951-52ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ભારતની કુલ વસ્તી 36 કરોડની આસપાસ હતી. જેમાં 10 કરોડ 59 લાખ મતદારો મત આપ્યો હતો. ત્યારબાદ ભારતની વસ્તીની સાથે મતદારોની સંખ્યામાં વધારો થયો અને વર્ષ 2019માં 61 કરોડ 47 લાખ લોકોએ મત આપ્યો હતો.
પ્રથમ લોકસભા ચૂંટણી (First lok Sabha Elections)માં કુલ 45.67 ટકા મતદાન થયું હતું, જયારે 2019માં 67.40 ટકા મતદાન થયું હતું. જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાનની ટકાવારી હતી.
કેટલા ઉમેદવારો અને પાર્ટીએ ચૂંટણી લડી હતી?
વર્ષ 1951-52ની લોકસભા ચૂંટણીમાં 499 બેઠકો માટે તો વર્ષ 2019માં 543 બેઠકો માટે મતદાન થયું હતું. 1951-52થી લઈને 2019 સુધીમાં ઉમેદવારોની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. પ્રથમ લોકસભા ચૂંટણીમાં 1874 ઉમેદવારો હતા, જ્યારે 2019માં 8054 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ 8054 ઉમેદવારોમાં 7322 પુરૂષ, 726 મહિલા અને 6 થર્ડ જેન્ડર ઉમેદવારો હતા.
1951-52ની લોકસભા ચૂંટણીમાં કુલ 53 પાર્ટીઓએ ચૂંટણી લડી હતી. જેમાં 14 રાષ્ટ્રીય પાર્ટીઓ અને 39 પ્રાદેશિક પાર્ટીઓ હતી. જયારે 2019ની ચૂંટણીમાં 673 પાર્ટીઓમાં સાત રાષ્ટ્રીય પાર્ટીઓ અને 43 પ્રાદેશિક પાર્ટીઓ હતી.
મતદાન મથક કેટલા હતા?
પ્રથમ લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ 1,32,560 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે 2019માં મતદાન મથકોમાં 10 ગણો વધારો થયો અને 10,37,848 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.
એમાં પણ 1951-52માં માત્ર 9 મતદારો માટે એક મથક ઉભું કરવામાં આવ્યું હતું જયારે 2019માં આ રેકોર્ડ પણ તૂટ્યો જેમાં ગુજરાતના ગીર સોમનાથ અને ઉનામાં માત્ર એક મતદાર માટે જ બે મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા.
કેટલા મતદાન કર્મચારીઓ તૈનાત હતા?
1951-52ની લોકસભાની ચૂંટણીમાં 489 રિટર્નિંગ ઓફિસરો તેમજ 3,38,854 લાખ પોલીસકર્મીઓ ફરજ પર હતા. જયારે 2019ની ચૂંટણીમાં 543 રિટર્નિંગ ઓફિસર, 819 જનરલ ઓબ્ઝર્વર, 705 એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર, 299 પોલીસ ઓબ્ઝર્વર અને 1 કરોડ 10 લાખ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
ભારતના ચૂંટણી પંચ (Election Commission) ઓછામાં ઓછા 40 દેશોમાં ચૂંટણી યોજવાની તાલીમ આપીને ઝીણવટથી શીખવે છે. તેમજ ઘણા દેશોના ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરે છે.