વોર્ડ નંબર 6 ના સદસ્ય મનુભાઈ પટેલનું રાજીનામું
કપડવંજ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વર્ષા પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સભાની શરૂઆતમાં જ વોર્ડ નંબર 6 ના અપક્ષ ઉમેદવાર મનુભાઈ રામાભાઇ પટેલ ઉભા થઈને પ્રમુખ અને ચીફ ઓફિસરને સભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી સભા છોડી રવાના થઈ ગયા હતાં. રાજીનામાના પત્રમાં તેઓએ પોતાના વોર્ડ નંબર 6 માં વિકાસના કામો થતાં ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. ત્યારબાદ સભામાં ઉપસ્થિત સદસ્યોએ અનેક પ્રશ્નોમાં ઉગ્ર ચર્ચાઓ કર્યા બાદ મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.મહીલા સદસ્ય સ્નેહા ઓઝા અને નરેશા શાહે પોતાના વોર્ડ નં. 5 ના કામો પૂર્ણ થાય તે માટે ઉગ્ર અને ધારદાર રજૂઆત કરી હતી. ઈમ્તિયાઝ શેખની આગેવાનીમાં તમામ મુસ્લિમ સદસ્યોએ કુબેરજી મહાદેવ પાછળ આવેલ તેઓના ધાર્મિક સ્થાન પાસેથી ગંદકી હટાવવા માટેની પણ જોરદાર રજૂઆત કરી હતી. પૂર્વ પ્રમુખ મોનિકા પટેલે ગત સામાન્ય સભાના 30 કામોના બદલે 33 કામોને બહાલી આપવાનો જોરદાર વિરોધ કરી ત્રણ કામોનો પૂછ્યા વગર સમાવેશ કરાવવા બાબતે સભ્યોને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેને અનેક સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ સામાન્ય સભામાં નિમેશ જામ,નીતિન ચોકસી, ચિન્ટુ પટેલ, પંકજ પટેલ સહિત અનેક સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો
આ સભામાં સને – ૨૦૨૩/૨૦૨૪ ના વાર્ષિક હિસાબો તથા ૨૦૨૪/૨૦૨૫માં ત્રિમાસિક હિસાબો મંજુર કરવા,સ્વર્ણિમ જયંતિ મુ. મંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. ૮૮ વર્ષ ૨૦૨૪/૨૫ ગ્રાન્ટના કામો નકકી કરવા, ૪.૫૦ કરોડના જુદી જુદી ગ્રાન્ટના વિકાસના કામોમાં ઈજારદારને સમય મર્યાદામાં વધારો કરવા,નગરપાલિકા કચેરીમાં ૧૫માં નાણા પંચની ગ્રાન્ટમાંથી લિફટ ફિટીંગ કરાવવા,ફુલબાઈ માતા તળાવ અમૃત ૨.૦ ગ્રાન્ટમાં મંજુર થયેલ હોય જે કામમાં મંજુર ગ્રાન્ટની મર્યાદામાં વધારાની આઈટમની દરખાસ્ત કરવા,વેણીપુરા પંમ્પીંગ સ્ટેશનને ટ્રાન્સફોર્મર ૧૫ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખરીદી કરવા બાબત. (315 KVA થી 400 KVA સુધી ),વેણીપુરા પમ્પીંગ સ્ટેશને ઈન્ટેક રેલની બાજુમાં ઘાસ, લીલ તથા અન્ય સફાઈ કામમાં ૧૫ માં નાણાં પંચની ગ્રાન્ટમાં કામ કરવા, માધ્યમિક શાળા સમિતિના ઠરાવોને બહાલી આપવા, જન્મ-મરણ-લગ્ન નોંધણીમાં રજીસ્ટ્રાર તરીકે સેનેટરી ઇન્સ્પેકટરની જીલ્લા આરોગ્યમાંથી મંજુરી મંગાવવા,નગર સેવા સદનના નિવૃત થતા કર્મચારીઓને ગ્રેજયુઈટી, રજાનો પગાર તથા પેન્શન ચુકવવા, કોમ્પ્યુટર ઓપરેટરોનો પગાર વધારવા, નગરપાલિકા કચેરીમાં સોલાર સિસ્ટમ ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાં ફિટીંગ કરાવવા, મદદનીશ ઈજનેર યશ આર. દરજીની આવેલ અરજી અન્વયે તેઓને રિન્યુ કરવા,અંતીસર દરવાજા પોલીસ ચોકી સામે આવેલ શૌચાલય પાસેની ખુલ્લી જગ્યામાં રૂમ બનાવવાના કામો બહુમતીથી અને સર્વાનુમતે મંજૂર કરાયા હતાં, જ્યારે બેંક ઓફ બરોડા તથા યુનાઈટેડ ઈન્સ્યુરન્સ જેવી સરકારી સંસ્થાઓમાં એગ્રીમેન્ટ કરવાની સત્તા અને સુએઝ ફાર્મની દૈનિક પેપરમાં જાહેરાત આપી હરાજી કરાવવા બાબતની સત્તા એન્જીનિયર વિષ્ણુભાઈ આઈ. પટેલને આપવા બાબતનું કામ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું.
આ સભામાં ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ, ઉપપ્રમુખ નિરવ પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશ પંડ્યા, એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલ સહિત સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.