ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળકનું મોત નીપજ્યું.
હેટ ક્રાઈમનો શિકાર થયું બાળક
પોલીસે જણાવ્યું કે શિકાગોના ઈલિનોઈસના એક વ્યક્તિ પર ઈઝરાયલ-હમાસ યુદ્ધથી પેદા થયેલા હેટ ક્રાઈમ હેઠળ 6 વર્ષીય મુસ્લિમ છોકરાની હત્યાનો આરોપ છે. આ વ્યક્તિ પર 32 વર્ષીય મહિલાને પણ ગંભીર રીતે ઘાયલ કરવાનો આરોપ છે.
અધિકારીઓએ તપાસ શરૂ કરી
વિલ કાઉન્ટી શેરિફ કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તપાસ અધિકારી એ વાતની તપાસ કરી રહ્યા છે કે આ મામલો હેટ ક્રાઈમ સંબંધિત છે કે નહીં? સાથે જ એ વાતની પણ તપાસ ચાલી રહી છે કે શું આરોપી યુવકે મુસ્લિમ હોવાને લીધે બંને પર હુમલો કર્યો હતો? શેરિફ કાર્યાલયે જણાવ્યું કે રવિવારે બંને ઘાયલ અવસ્થામાં મળ્યા હતા. બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના લીધે તે મૃત્યુ પામી ગયો.
બાળક પર 26 ઘા કરાયા, પેલેસ્ટિની મૂળનો અમેરિકી બાળક હતો
તેના શરીર પર 26 ઘા કરાયા હતા. મહિલા ઉપર પણ એક ડઝનથી વધુ ચપ્પાંના ઘા જોવા મળ્યા હતા. શંકાસ્પદ યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સના શિકાગોના કાર્યાલયે કહ્યું કે મૃતકના પરિજનોને કહ્યું કે જે બાળકનું મોત નીપજ્યું છે તે પેલેસ્ટિની મૂળનો હતો. તે તેની માતા હનાન શાહીન સાથે અહીં રહેતો હતો.