ડ્રેગન તેનાં કાવતરા કરવામાંથી અટકતો નથી. ફરી એક વાર તેનાં ફાઈટર જેટસ તાઈવાનની એર-સ્પેસમાં દાખલ થઈ ગયા હતા. આવું તેણે ઘણીવાર કર્યું હતું પરંતુ આ વખતે ડ્રેગનને જડબા તોડ જવાબ મળ્યો. તાઈવાન એરફોર્સનાં વિમાનોએ ચીની વિમાનોને ભગાડી મુક્યા. જો કે બંને વચ્ચે કોઈ ટક્કર થઈ ન હતી.
ચીન સમુદ્ર સીમા ઉપરાંત તાઈવાનની આકાશી સીમામાં પણ ઘૂસણખોરી કરી રહ્યું છે. રવિવાર ચીનનાં ૨૪ વિમાનો તાઈવાન તરફ ઊડયાં તેમાંથી ૧૦ વિમાનો તાઈવાનની એર-સ્પેસમાં દાખલ થઈ ગયા પરંતુ આ વખતે તાઈવાન એલર્ટ હતું. તેણે પોતાના યુદ્ધ વિમાનોની એક સ્કવોડન ચીનનાં વિમાનો પાછળ લગાડી દીધી. ચીની વિમાનોને કલ્પના પણ ન હતી કે આવો સામનો થશે. તેથી તે વિમાનો પાછા ફરી નાસીને પોતાની સીમમાં ચાલ્યા ગયા.
ગત સપ્તાહે ચીનનું નૌકા જહાજ અચાનક અમેરિકાનાં વોર શિપની સામે આવી ગયું. ટક્કર ન થાય તે માટે અમેરિકી જહાજે તેની ગતિ મંદ કરી દીધી. ચીનની ડીસ્ટ્રોયર યુ-યુંગ હન અને અમેરિકન ફ્રીગેટ મોન્ટ્રીયલ તાઈવાન સ્ટેટસમાં સામ સામે આવી ગયા. સદ્ભાગ્યે કોઈ ટક્કર થઈ ન હતી. આ ઘટના તે સમય બની કે જયારે તાઈવાન- સ્ટ્રેટસમાં તાઈવાન અને અમેરિકી યુદ્ધ જહાજો વોર-ગેમ્સ રમી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે માઓ-ત્સે-તુંગ તાઈવાન લઇ શક્યો ન હતો. પરંતુ શી જીનપિંગ તાઈવાન પર કબજો જમાવી પોતાને માયો કરતાં પણ મહાન દર્શાવવા માગે છે. માટે તાઈવાન ગળી જવા માગે છે પરંતુ તાઈવાન તે સામે તેટલું જ તૈયાર છે.