ખેડા અને ગાંધીનગર જિલ્લાને જોડતા માર્ગ પરથી મોટી માત્રામાં લક્ઝુરિયસ કારમાં લઈ જવાતા વિદેશી દારૂને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડવામાં આવતા સ્થાનિક આતરસુંબા પોલીસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
કપડવંજ તાલુકાના આતરસુંબા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતી બોભા ચેકપોસ્ટથી 300 મીટરના અંતરેથી ખેડા અને ગાંધીનગર જિલ્લાની સરહદની વાત્રક નદીના પુલ પરથી પસાર થતી લક્ઝુરિયસ કાર GJ01HV3728 ને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઉભી રખાવી તપાસ હાથ ધરતા કારમાંથી મોંઘી દાટ વિદેશી દારૂની 1158 બોટલો જેની કિંમત 2,05,876, મોબાઈલ ફોન 5000 તેમજ લક્ઝુરીયસ કારની કિંમત રૂપિયા 5,00,000, રોકડ 1500 કુલ મળી 7,12,376 નો મુદ્દા માલ ધરતી પાડી પોલીસે કાર ચાલક રાજુ દોલારામ ડામોર રહે. રાફડા ફળી, ભુવાલી તાલુકો ડુંગરપુર ( રાજસ્થાન ) ને ઝડપી પાડ્યો હતો.
આતરસુંબા પોલીસ મથકે કારચાલક તેમજ દારૂનો જથ્થો કારમાં ભરી આપનાર ગામાં ડામોર અને રાજેન્દ્ર અને કાર માલિક સહિત ચાર લોકો સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી બાકીના ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી તમામને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પોલીસ દ્વારા દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યા બુટલેગરે મંગાવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આતરસુંબા પોલીસ મથકની બોભા ચેકપોસ્ટ પાસેથી જ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતાં આતરસુંબા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આતરસુંબા પોલીસ અને બુટલેગરોની સાંઢગાંઠથી ખેડા જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે આતરસુંબા પોલીસ મથકની બોભા ચેકપોસ્ટ પરથી કેટલા સમયથી દારૂ લઈ જવાતો હતો ?. તેવા પણ અનેક સવાલો હાલ સામે આવ્યા છે.