વૃક્ષના પાંદડાની ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષની આયુ હોવાથી જ્ઞાન- વિજ્ઞાનનો વારસો તેની ઉપર લખાય છે
સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું એવું દુર્લભ શ્રીતાડનું વૃક્ષ કપડવંજ પંચામૃત હોટલ ખાતે નજરે પડે છે. શ્રીતાડનું આ વૃક્ષ માત્ર પંચામૃત હોટલની જ નહીં, પરંતુ સમગ્ર કપડવંજની શોભા વધારી રહ્યું છે. પંચામૃત હોટલના માલિક રાઘવ દશરથલાલ દવેના સુદર્શન ન્યુઝને જણાવ્યા મુજબ તેઓએ આ ઝાડના ત્રણ છોડ મિત્ર પાસે મંગાવ્યાં હતાં. જૈન મહારાજ સાહેબે શ્રીલંકાથી છોડ મંગાવી પોતાના અનુયાયીઓને વિતરણ કર્યા હતાં. જેમાં આ મિત્રએ પણ લાભ લીધો હતો. લગભગ સાડા પાંચ વર્ષ પહેલા આ શ્રીતાડના ત્રણ વૃક્ષનું હોટલ આગળ રોપણ કર્યું હતું હાલ આ ઝાડ 8 થી 10 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગુજરાત અને ભારતમાં ભાગ્યે જ જોવા મળતું આ શ્રીતાડનું આ વૃક્ષ નડિયાદમાં પણ હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કપડવંજના વિનલ પટેલે જણાવ્યું હતું.
શ્રીતાડ એટલે ખરેખર શ્રી લક્ષ્મીનું તાડ. લક્ષ્મી જેમ અનેક અદ્વિતિય લાભો આપે છે તેમ આ ઝાડ-પાન અજબ ગજબની વિશેષતાઓનો ભંડાર છે. શ્રીતાડએ એક જાતનું Palm એટલે કે તાડ છે. Monocarpic Palm હોવાને કારણે જીંદગીમાં એક જ વખત ફળ આપે છે. સૌથી વધુ ફુલવાળી ડાળનો વિશ્વ રેકોર્ડ આ પામને નામે બોલે છે. જયારે આ વૃક્ષ ઉપર ફુલ ખીલે છે ત્યારે એ દ્રશ્ય એટલું મનોરમ્ય હોય છે કે – ઈન્ડીયન ઈન્સટીટ્યુટ ઓફસાયન્સનાં રીસર્ચર ડો. સુભાષચંદ્રન શ્રીતાડ ઉપરના પોતાના લેખમાં લખે છે કે વિમાન વિદ્યા હોય કે જ્યોતિષ, એશીયાઈ પ્રદેશનો અદ્ભૂત જ્ઞાન વિજ્ઞાનનો વારસો જેની ઉપર લખાતો અને તે આપણા સુધી પહોંચ્યો તે આ વૃક્ષના પત્ર યાને કે પાન. શ્રીતાડના પાનને સૌથી મજબુત અને સૌથી વધુ આયુષ્યવાળુ પાન ગણવામાં આવ્યું છે. માટે જ શ્રીલંકા-લાઓસ વિગેરે દેશમાં હિંદુ હોય કે મુસલમાન, બૌધ્ધ હોય કે જૈન સહુ આ વૃક્ષના પાંદડા પર પોતાના ગ્રંથો લખતા.આજે આપણા ગુજરાતમાં હસ્તપ્રતો Manuscript નો અદ્દભૂત વારસો – ખજાનો જોવા મળે છે તેમાંથી મોટાભાગનો આ શ્રી તાડપત્ર ઉપર લખાયો છે.
* આ વૃક્ષના પાંદડાની ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષની આયુ ગણાય છે આજે પણ એક-એક હજાર વર્ષ જુના પાંદડા/ગ્રન્થો જોવા મળે છે.
* આટલું લાંબુ ટકવાની ક્ષમતા વાળુ દુનિયાનું બીજુ કોઈ પાંદડું નોંધાયુ નથી માટે જ આ વૃક્ષ કળાની દ્રષ્ટિએ અદ્વિતીય છે.
* એક શ્રીતાડના Mature Palm માં 250 Kg. ખાદ્ય સ્ટાર્ચ હોય છે. ઉત્તર કર્ણાટકનાં કેટલાય દુકાળ આ ઝાડના જોરે પસાર થયા છે. આમ ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વાપૂર્ણ વૃક્ષ છે. આ સ્ટાર્ચમાંથી પહેલા ગુલાલ પણ બનતો.
* આ વૃક્ષનાં પાનમાંથી અનેક પ્રકારના હેન્ડીક્રાફ્ટ, છત્રી-ટોપીઓ બનતી.
ગુજરાતનું ગજબ જોડાણ
૧૧મી શતાબ્દીમાં થઈ ગયેલા મહારાજા કુમારપાળે આ વૃક્ષોનું એક વિશેષ ઉદ્યાન વિકસાવ્યું હતું. અને એના પાંદડાને લઈને એ જમાનામાં ૭૦૦ લહીયાઓ પાસે દિવસનાં અંદાજે ૨૧,૦૦૦ પાંદડા જેટલું લખાણ કરાવતાં.
ગુજરાતને નામે અમૂલ્ય સાહિત્ય વારસો મૂકી જનાર શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત પાસે આ લહિયાઓ બેસતા અને તેમના લીંબુ છાળ શ્લોકોને ફટાફ્ટ લખતા જતા હતાં. (લીંબુ છાળ એટલે એક લીંબુને સામાન્ય ગતિએ આકાશમાં ઉછાળવામાં આવે ત્યારથી લઈને નીચે પાછુ પડે ત્યાં સુધીમાં ૯ શ્લોકો નવા બનાવી દેવા.)
હવે એક વખત બન્યુ એવુ ફેરોજના ભારી માત્રામાં ઉપયોગને કારણે એક દિવસ વૃક્ષ ઉપર પાંદડા ખૂટી ગયા અને લેખન કાર્ય અટકી ગયું. નવા પાન આવે ત્યાં સુધી રાહ જોવું થોડી કુમારપાળને પાલવે ? લોકોમાં પણ વાતો થવા લાગી કે આ ગુજરાતના ધણીની એટલી ક્ષમતા નહી કે વધુ વૃક્ષો રાખી શકે ? જેથી નવા શાસ્ત્રો રચવાની પ્રવૃત્તિ ના અટકે ? માટે તેમણે વનદેવતાની આરાધના કરી વૃક્ષોને નવપલ્લવિત કરવાની માંગ કરી અને વન દેવતાએ પણ પોતાનું કર્તવ્ય સમજી વૃક્ષો ઉપર નવા પાન ઉભા કરી દીધા. આમ શાસ્ત્ર રચનાની પ્રવૃત્તિ અટકી નહીં અને ગુજરાતનું ગૌરવ જળવાયું.
આ વૃક્ષની વર્તમાન પરિસ્થિતિ
દુર્ભાગ્યે છેલ્લા કેટલાય વર્ષોથી આ વૃક્ષ પ્રત્યે લોકોનું ધ્યાન હટી ગયું છે. દુનિયાના કોઈ વૃક્ષમાં જે ગુણવત્તા જોવા ન મળે તેવુ અદ્વિતિય વૃક્ષ આજે સંરક્ષણની બૂમ પાડી રહ્યુ છે.
શ્રીલંકા- થાઈલેન્ડ વગેરે દેશોમાં જ્યાં આ વૃક્ષનો સૌથી વધુ પ્રચાર છે ત્યાં પણ કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા.
આપણાં અદ્ભૂત જ્ઞાન-વિજ્ઞાનના હજારો વર્ષોથી ચાલ્યા આવતા વારસાને વધુ હજારો વર્ષોનું આયુષ્ય આપવા આ ઝાડનું સંરક્ષણ જરૂરી છે. આજે કેટલીય સંસ્થાઓ આ વૃક્ષના પાંદડાઓ શ્રીલંકા-થાઈલેન્ડથી આયાત કરી તેની ઉપર શાસ્ત્રો લખવાનું કાર્ય કરે છે. જેમાં હજારો લહીયાઓને રોજગારી મળી રહી છે. ત્યારે આશ્ચર્ય જનક વાત તો એ છે કે આ વૃક્ષનું મૂળ સ્થાન ભારત હોવા છતાંય આપણે બહારથી આ પાંદડા લાવવા પડે છે. અને હવે તો એ દેશોમાં પણ આ વૃક્ષોની ભારે અછત છે. પરંતુ ક્યાંય વિશેષ સંરક્ષણ પ્રત્યે ધ્યાન નથી અપાયુ અથવા વૃક્ષના વિષયમાં ઉંડે નથી જવાયું.
IUCN ના ૨૯ જાન્યુઆરી, ૨૦૧૦ ના સર્વે મુજબ તેમણે આ વૃક્ષને Data Deficient Category માં મૂકી દીધુ. અર્થાત આ વૃક્ષ ઉપર માહિતીનો અભાવ છે એટલે વૃક્ષ કેટલા બચ્યા છે ?, કયાં છે ?, વિગેરે કોઈ જ માહીતી નથી. અને માટે એની ઉપર સંશોધન કરવું જરૂરી છે.
માટે કમસેકમ આપણો જ્ઞાન – વિજ્ઞાન વારસો પણ એક આ સમય- પરિક્ષિત માધ્યમે સાચવવા આ વૃક્ષનું સંરક્ષણ ખૂબ જરૂરી છે.