આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ વિશેષ સત્રમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંબંધિત બિલની સાથે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય પર ચર્ચા થશે. વિશેષ સત્ર દરમિયાન દેશની સંસદને પણ જૂની ઈમારતમાંથી નવી ઈમારતમાં ખસેડવામાં આવશે. ત્યારે આ દરમિયાન કયા કયા બદલાવ થશે ચાલો જાણીએ.
પીએમ મોદી લોકસભાને સંબોધિત કરશે
વિશેષ સત્રના પહેલા દિવસે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 વાગ્યે સંસદભવનમાં ભાષણ આપશે. આ પછી બંને ગૃહોમાં સંસદીય સફરની 75 વર્ષની ચર્ચા શરૂ થશે. પીએમ મોદી લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી શકે છે અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ રાજ્યસભામાં ચર્ચાની શરૂઆત કરી શકે છે.
19 સપ્ટેમ્બરે નવી સંસદમાં એન્ટ્રી
લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદોને પણ સંબોધિત કરશે અને જૂના સંસદ ભવનમાં અત્યાર સુધી યોજાયેલી બેઠકો અને કાયદાઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.
સરકારે તેના તમામ મંત્રીઓને સંસદના વિશેષ સત્ર માટે હાજર રહેવા સૂચના આપી છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ તમામ કેબિનેટ, રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય પ્રધાનોને હાજર રહેવા જણાવ્યું છે. સરકારના તમામ મંત્રીઓને પણ પાંચ દિવસ સુધી ગૃહની સમગ્ર કાર્યવાહી દરમિયાન હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
બંને ગૃહમાં તમામ મંત્રીઓ હાજર રહેશે
સામાન્ય રીતે બંને ગૃહોની કાર્યવાહી દરમિયાન દરેક મંત્રીની રોસ્ટર ડ્યુટી દરેક 4 કલાક માટે કરવામાં આવે છે, જેમણે તેમના રોસ્ટર મુજબ ગૃહમાં હાજર રહેવું જરૂરી હોય છે, પરંતુ વિશેષ સત્ર દરમિયાન, બંને ગૃહોના તમામ મંત્રીઓ હાજર રહેવા સૂચના આપી છે. વિશેષ સત્રના તમામ પાંચ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે ભાજપે પહેલાથી જ બંને ગૃહોના તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ પણ તેના રાજ્યસભાના સાંસદોને સમગ્ર વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.
નવી સસંદમાં આ હશે બદલાવ
સંસદના વિશેષ સત્રના બીજા દિવસે 19 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવાનો કાર્યક્રમ હશે. આ દરમિયાન સંસદની નવી ઇમારતમાં કામ કરતા કર્મચારીઓ નવા પોશાકમાં જોવા મળશે.સંસદની કાર્યવાહીમાં સામેલ 5 વિભાગના લોકો સંપૂર્ણપણે નવી શૈલીમાં જોવા મળશે. આ તમામને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
- અધિકારી
- ચેમ્બર એટેન્ડન્ટ
- સંસદ સુરક્ષા કર્મચારીઓ
- સંસદમાં કાર્યરત ડ્રાઇવર
- બંને ગૃહોમાં માર્શલ હાજર છે
ફક્ત તે અધિકારી કેટેગરીના કર્મચારીઓ કે જેઓ દરરોજ કાર્યવાહીમાં ભાગ લે છે તેઓએ નવો ડ્રેસ પહેરવો પડશે, ઉદાહરણ તરીકે, બંને ગૃહોના ટેબલ ઓફિસર, પ્રોટોકોલ ઓફિસ, સંસદમાં ટેબલ ઓફિસ વગેરેમાં કામ કરતા કર્મચારીઓએ નવો ડ્રેસ પહેરવાનું રહેશે. જ્યારે સંસદના સામાન્ય કર્મચારીઓ કે જેઓ સામાન્ય કામમાં રોકાયેલા છે તેઓએ તેને પહેરવાની જરૂર રહેશે નહીં. ઉદાહરણ તરીકે, કમિટી, લાયબ્રેરી, એનેક્સી બિલ્ડિંગની કમિટી ઓફિસ વગેરેમાં કામ કરતા કર્મચારીઓ માટે તેને પહેરવાની કોઈ ફરજ પડશે નહીં.
ડ્રેસ કોડ માટે પાંચ અધિકારીઓની કમિટી
નવી સંસદમાં નવા ડ્રેસ કોડના પ્રસ્તાવ પર કામ 2022માં નવા સંસદ ભવનનાં નિર્માણ સાથે શરૂ થઈ ગયું હતું. નવા ડ્રેસ કોડ અંગે 2022ના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા સચિવાલયના 5 અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ માટે આ વર્ષે બજેટ સત્ર દરમિયાન દેશના તમામ 18 NIFTને નવા ડ્રેસની ડિઝાઇન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. મે મહિનામાં, સંસદના અધિકારીઓની સમિતિ દ્વારા NIFTની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.