ભાઈની રક્ષા કાજે બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી સૌ કોઈ વર્ષોથી કરે છે. પણ કપડવંજ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પંચાલ, ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલ શાહ, જીવનશિલ્પ કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ પટેલ, સંસ્થાના પ્રમુખ ડો.અલ્પેશ રાવલ, મંત્રી શાંતિલાલ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ સુરેશ પારેખ, કેમ્પસના ટ્રસ્ટી નીતિન પટેલ,ડાયરેક્ટર સિદ્ધાર્થ પટેલ અને શાળાના બાળકોના હસ્તે અત્રેના જીવનશિલ્પ કેમ્પસમાં વૃક્ષો અને પાણીના સ્ત્રોતોને રાખડી બાંધી તેની રક્ષા કરવાના ભવ્ય અને ઉમદા વિચારને વહેતો મૂકી રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષો અને પાણીનું જીવનમાં અગત્યનું મહત્વ સમજાવી ધર્મગ્રંથોમાં અને સંસ્કૃતિએ વૃક્ષોને દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. સૌને વૃક્ષ વંદના અને જળ પૂજન કરી તેને બચાવવા અનુરોધ કરી માનવ જીવનમાં ઉચ્ચ મૂલ્યો કેળવવાના સંસ્થાના કાર્યક્રમને વધાવી અભિનંદન પાઠવ્યા હતાં બાળકોમાં નાનપણથી જ વૃક્ષો અને પાણી પ્રત્યે જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા આ એક નવતર વિચાર સમાજમાં વહેતો મૂક્યો હોવાનું જણાવી વૃક્ષોનો આપણા ઉપર અનેક ઉપકાર છે તથા પાણી વિના જીવન શક્ય નથી, તેમ જણાવી વૃક્ષ અને પાણીનું મહત્વ સમજાવ્યું હતું. ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સાથે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ અને વૃક્ષની રક્ષા કરવા, પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવા સૌ મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો.
ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓને સાથે રાખી સંસ્થાના સંકુલમાં આવેલ વિવિધ વૃક્ષ તથા પાણીના સ્ત્રોતને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી. તથા પાણી અને વૃક્ષને બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.