હિંમતનગરમાં રહેતી 45 વર્ષીય મહિલાને પોતાની પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવાનું અને એકલો હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પરબડાના વિધર્મી શખ્સ સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના પોસ્ટઓફિસ પાછળના વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા એકાદ વર્ષ અગાઉ પરબડામાં રહેતા સાહીદભાઈ વલીભાઈ દાંતરોલીયાના પરિચયમાં આવ્યા હતા અને સાહીદભાઈને પત્ની તથા બાળકો હયાત હોવા છતાં સાહીદભાઈએ પત્નીનું મોત નીપજ્યું હોવા અંગે અને પોતે એકલો હોવાનું જણાવી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાતચીત કરતાં રહી ઈન્દ્રનગર અને રાજેશ્વરી સોસાયટીમાં બ્રહ્માણીનગરમાં મકાન ભાડે રાખી અવારનવાર શારીરિક શોષણ કરી રહ્યો હતો.
દરમિયાન મહિલાને વિશ્વાસમાં લઈ મહિલાના નામે મકાન ખરીદવાનું કહી રૂ.15 લાખ મેળવી પોતાના નામે મકાન ખરીદી લીધું હતું જેની મહિલાને જાણ થતાં બંને વચ્ચે તકરાર થઈ હતી અને મહિલાએ પૈસા અથવા મકાન આપવા માંગણી શરૂ કરી હતી.
પંદરેક દિવસ અગાઉ સાહીદભાઈ દાંતરોલીયા બ્રહ્માણીનગર ખાતેના મકાન પર આવ્યો હતો અને મહિલા સાથે ઝઘડો કરી ફરીથી બળજબરીથી શારીરિક શોષણ કર્યું હતું. ભોગ બનનારની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે સાહીદ વલીભાઈ દાંતરોલીયા સામે આઇપીસી 376 (2) એન, 406, 420 અંતર્ગત ગુનો નોંધી ગંભીર આક્ષેપ અંતર્ગત તપાસ હાથ ધરી હતી.