બ્રિટનમાં ગુરુવારે (4 જુલાઈ) સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે આજે (5 જુલાઈ) પરિણામો જાહેર થયા છે. જેમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે આ ચૂંટણી પરિણામો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેમજ લેબર પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતીને 14 વર્ષ બાદ ઈતિહાસ રચી દીધો છે. પ્રચંડ જીત મળતા વિજેતા લેબર પાર્ટીના ટોચના નેતા કીર સ્ટાર્મરે (keirstarmer) કહ્યું કે બ્રિટનને તેનું ભવિષ્ય પાછું મળી ગયું છે.
બ્રિટનમાં સત્તાપલટો થઇ ગયો છે. ચૂંટણીના પરિણામો લગભગ સામે આવી ગયા છે. અપેક્ષા મુજબ મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીએ બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત મેળવી છે. અત્યાર સુધીના પરિણામોમાં લેબર પાર્ટીએ 405 બેઠકો જીતી લીધી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 111 બેઠકો જીતવામાં સફળ રહી છે. 650માંથી 624 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
ઋષિ સુનકે હારની જવાબદારી લીધી
સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન વચ્ચે વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે પોતે આ હારની જવાબદારી લેતા કહ્યું કે ‘હું આ હારની જવાબદારી લઉં છું અને કીર સ્ટાર્મરને જીત માટે અભિનંદન આપું છું.’
એક્ઝિટ પોલમાં પણ સુનકની હારના મળ્યાં હતા સંકેત
અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC-Ipsos એક્ઝિટ પોલમાં Keir Starmerની આગેવાની હેઠળની લેબર પાર્ટી 410 બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.