આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી ૧૧૦ ભાષાના સમાવેશની જાહેરાત કરી છે. જેમાં કેન્ટોનીઝ, એન્કો અને તામાઝાઇટ જેવી ભાષા સામેલ છે. નવી ભાષાઓ ૬૧.૪ કરોડથી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને લીધે વિશ્વની ૮ ટકા વસતી માટે ભાષાંતરનો વિકલ્પ ખૂલ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “નવી સામેલ કરાયેલી ભાષાઓમાં કેટલીક વિશ્વની અગ્રણી ભાષા છે. તેનો ૬૧.૪ કરોડથી વધુ લોકો બોલચાલમાં ઉપયોગ કરે છે. અન્ય ભાષાઓ કેટલાક નાના સમુદાયનું પ્રતિનિધીત્વ કરે છે.” ગૂગલે સામેલ કરેલી નવી ભાષાઓમાં લગભગ ૨૫ ટકા આફ્રિકાની છે. જેમાં ફોન, કિકોન્ગો, લુઓ, ગા, સ્વાતિ, વેન્ડા અને વોલોફનો સમાવેશ થાય છે. ૨૦૨૨માં ગૂગલે ઝીરો-શોટ મશિન ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને ૨૪ નવી ભાષા ઉમેરી હતી. તેમાં મશિન લર્નિંગ મોડલ કોઈ ઉદાહરણ જોયા વગર અન્ય ભાષામાં ભાષાંતર કરતા શીખે છે. કંપનીએ જણાવ્યું હતું કે, “અમે ૧,૦૦૦ ભાષાની પહેલની જાહેરાત કરી છે. જેમાં AI મોડલની મદદથી વિશ્વભરમાં સૌથી વધુ બોલાતી ૧,૦૦૦ ભાષાનું ભાષાંતર શક્ય બનશે.” નવી ભાષામાં પંજાબી (શાહમુખી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંજાબી (શાહમુખી) પંજાબી ભાષાનો જ પ્રકાર છે, જેને પર્સો-અરેબિક સ્ક્રિપ્ટ (શાહમુખી)માં લખવામાં આવે છે. ગૂગલે જણાવ્યું હતું કે, “ટોક પિસિન ઇંગ્લિશ આધારિત ભાષા છે, જે બે ભાષાના મિશ્રણમાંથી બની છે.