અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા વ્યકત થઈ છે અને નિકાસકારોને તાત્કાલિક ટેકો આપવા રજૂઆત કરવામાં આવી છે. ગારમેન્ટસ, ઓટો કમ્પોનેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ક્ષેત્રો માટે અમેરિકા મહત્વનું નિકાસ બજાર છે.
એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ચેતવણી આપી છે કે ટેરિફ બમણો થતા માઈક્રો અને મીડિયમ એપરલ ઉદ્યોગ માટે “મૃત્યુ ઘંટ” સમાન પરિસ્થિતિ ઊભી થશે, ખાસ કરીને અમેરિકાની બજાર પર નિર્ભર નિકાસકારોને મોટો ફટકો પડશે. કાઉન્સિલના ચેરમેન સુધીર શેખરીએ ઉદ્યોગ માટે સરકાર તરફથી તાત્કાલિક નાણાંકીય પ્રોત્સાહનોની માંગણી કરી છે. ૨૦૨૪માં ભારતમાંથી કુલ ગારમેન્ટ નિકાસમાં ૩૩ ટકા નિકાસ અમેરિકામાં થઈ હતી, જે ભારત માટે મુખ્ય બજાર છે. ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગે પણ ટૂંકા ગાળાના પડકારોને સ્વીકારતા સ્પર્ધાત્મકતા વધારવા તથા નવી બજારો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, કારણ કે ૨૦૨૪-૨૫માં ૨૨.૯૦ અબજ ડોલરની કુલ નિકાસમાંથી ૨૭ ટકા નિકાસ અમેરિકામાં થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ હવે નીચા ટેરિફ ધરાવતા દેશો જેમ કે દૂબઈ અને મેક્સિકોમાં ઉત્પાદન એકમો ઊભા કરીને ત્યાંથી અમેરિકામાં નિકાસ કરવાનો વિચાર કરી રહ્યો છે. આ નિર્ણય ન લેવાય તો નિકાસ વેપાર માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે એવી ચેતવણી ઉદ્યોગએ આપી છે. બીજી તરફ, ભારત સરકારે માલસામાન તથા સેવા નિકાસમાં વૈવિધ્ય લાવવા દક્ષિણ એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાં નવી બજારો શોધવાની કવાયત શરૂ કરી છે, જેથી અમેરિકાના વધારેલા ટેરિફના પ્રભાવને ઘટાડી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel