ડીમેટ ખાતા ખોલવાની દ્રષ્ટિએ પાછલા ત્રણ મહિનાની સરખામણીએ મે મહિનો શ્રેષ્ઠ રહ્યો છે. પસાર થયેલા મેમાં ૨૧ લાખ નવા ડીમેટ ખાતાખોલાયા હતા. લગભગ ત્રણ મહિનાના ગાળા બાદ મેમાં પ્રથમ વખત ૨૦ લાખથી વધુ ડીમેટ ખાતા ખુલ્યાનું જોવા મળ્યું છે.
મેના અંતે દેશમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૧.૮૧ કરોડ રહી હતી જે એપ્રિલની સરખામણીએ ૧.૮૦ ટકા વધુ છે. ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના મેના ડીમેટ ખાતાની સંખ્યા ૨૫ ટકા વધુ છે.
દેશના શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે એપ્રિલમાં નવા ડીમેટ ખાતા ખોલવાની માત્રા ઘટી ૧૬ લાખ રહી હતી, જે ડીસેમ્બર ૨૦૨૦ બાદ સૌથી ઓછી હતી એમ એનએસડીએલ તથા સીડીએસએલના આંકડા જણાવે છે.
દેશના શેરબજારોમાં ફરી આકર્ષક વળતર મળવા લાગતા છેલ્લા બે-ત્રણ મહિનાથી રિટેલ રોકાણકારો ફરી સક્રિય બની રહ્યા છે અને તેને પરિણામે ડીમેટ ખાતા ખોલવાની સંખ્યા પણ વધી ગઈ છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
શેરબજારમાં સેકન્ડરી તથા પ્રાઈમરી માર્કેટસની કામગીરી અને ડીમેટ ખાતાની સંખ્યા વચ્ચે સુસંગતતા જોવા મળે છે. માર્કટસની કામગીરી સારી રહે છે તો ડીમેટ ખાતાની સંખ્યા પણ વધતી જોવા મળે છે.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને પગલે ૨૦૨૩ના પ્રારંભમાં મંદ રહ્યા બાદ એપ્રિલ-મેમાં દેશના શેરબજારોની કામગીરી સારી જોવા મળી હતી અને વર્તમાન મહિનામાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ તેમની ઐતિહાસિક ટોચની આસપાસ જોવા મળી રહ્યા છે.
તાજેતરમાં જ આવેલા એક અહેવાલમાં શેરબજારોમાં મેમાં કેશ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર ટર્નઓવર વધી રૂપિયા ૬૩૭૭૪ કરોડ સાથે આઠ મહિનાની ટોચે રહ્યું હતું. એપ્રિલની સરખામણીએ મેના ટર્નઓવરમાં ૧૬.૫૦ ટકા વધારો જોવા મળ્યો છે.
ફ્યુચર્સ તથા ઓપ્શન્સ (એફએન્ડઓ) નું સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર પણ વધીને રૂપિયા ૨૫૨ ટ્રિલિયનની ઐતિહાસિક સપાટીએ રહ્યું હતું. એપ્રિલમાં આઆંક રૂપિયા ૨૪૨ ટ્રિલિયન હતો એમ પ્રાપ્ત આંકડામાં જણાવાયું હતું. શેરના ઊંચા ભાવને વોલ્યુમને ટેકો મળી રહ્યો છે.