અબુધાબી પછી બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હવે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં દક્ષિણ ધ્રુવનું સૌથી મોટું મંદિર બનાવી રહી છે. આ મંદિર જોહાનિસબર્ગના સૌથી વ્યસ્ત અને સુંદર લેન્સેરિયા કોરિડોરમાં 37,000 ચોરસ મીટરમાં બનાવવામાં આવી રહ્યું છે.
સાઉથ પોલનું સૌથી મોટું હિન્દુ મંદિર બનશે આફ્રિકામાં
BAPS અનુસાર, મંદિર અને સાંસ્કૃતિક સંકુલના નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2027 સુધીમાં તૈયાર થઈ જશે. તે સાઉથ પોલમાં સૌથી મોટું હિન્દુ મંદિર હશે.
આ મંદિરનું કામ દક્ષિણ આફ્રિકામાં પૂરઝડપે શરૂ
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અબુધાબીમાં મધ્ય પૂર્વના સૌપ્રથમ સુશોભિત કોતરણીવાળા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પછી, BAPS એ દક્ષિણ આફ્રિકામાં આ મંદિર પર પૂરઝડપે કામ શરૂ કર્યું હતું. ગયા મહિને, વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજની હાજરીમાં મંદિરના 33,000 ચોરસ મીટરના સાંસ્કૃતિક સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને હવે બીજા તબક્કામાં 2,500 ચોરસ મીટરના પરંપરાગત મંદિર સંકુલનું કામ શરૂ થશે.
પીએમ મોદીએ કર્યું હતું અનાવરણ
BAPS દક્ષિણ આફ્રિકાના પ્રવક્તા હેમાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દક્ષિણ આફ્રિકાની છેલ્લી મુલાકાત દરમિયાન આ મંદિરના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. અમને ખાતરી છે કે તેઓ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં (22 અને 23 નવેમ્બર) યોજાનારી G20 સમિટ દરમિયાન ફરી મુલાકાત લેશે.’
આ હશે મંદિરની વિશેષતા
જો મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ મંદિર શહેરના સૌથી સુંદર વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે. 14.5 એકરમાં બનતા આ મંદિરમાં એક મોટો મીટિંગ હોલ, બેન્ક્વેટ હોલ, સાત્વિક ભોજન માટે શાયોના રેસ્ટોરન્ટ, મંદિર હોલ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે 20 રૂમ હશે.
ભારતના વિવિધ શહેરોમાંથી લાવવામાં આવી ભગવાનની મૂર્તિઓ
33000 ચોરસ મીટરમાં ફેલાયેલી હવેલીનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરના પાયાનું કામ થઈ ગયું છે અને ત્રણ વર્ષમાં મંદિર તૈયાર થઈ જશે. ભગવાન સ્વામી નારાયણ, તેમના શિષ્ય અક્ષર પુરુષોત્તમ જી, રાધાકૃષ્ણ, સીતારામ, શંકર પાર્વતી, ગણપતિ જી, તિરુપતિ બાલાજી, હનુમાનજી, કાર્તિક મુરુગન સ્વામીની મૂર્તિઓ જયપુર અને તિરુપતિ સહિત ભારતના વિવિધ શહેરોમાંથી લાવવામાં આવી છે.