અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવ બાદ હવે વડોદરામાં પણ ધમકી ભરેલો ઈ-મેલ મળતાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલો બનાવ નથી; અગાઉ પણ કલેક્ટર કચેરીને આવી જ પ્રકારની બોમ્બ ધમકી મળી ચૂકી છે, જેને લઈને પ્રશાસન વધુ સાવચેત બન્યું છે.
આ સાથે જ અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને પણ બોમ્બ ધમકી ભરેલા ઈ-મેલ મળ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલનમાં ભારે ચિંતા ફેલાઈ હતી. ધમકી મળેલી શાળાઓમાં મહાત્મા ગાંધી સ્કૂલ (મીઠાખળી), જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ (સોલા), સત્વ વિકાસ સ્કૂલ (સિંધુભવન), પ્રકાશ સ્કૂલ (બોડકદેવ), માઉન્ટ કાર્મેલ સ્કૂલ (આશ્રમ રોડ), મહારાજા અગ્રસેન, ઝાયડ્સ સ્કૂલ, DAV સ્કૂલ, ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, નિર્માણ સ્કૂલ, DPS સ્કૂલ, તુલિપ સ્કૂલ, GIIS સ્કૂલ, ડિવાઈન ચાઇલ્ડ સ્કૂલ (અડાલજ), જેમ્સ એન્ડ જેનેસિસ, આવિષ્કાર સ્કૂલ, કલોલ ઝાયડ્સ સ્કૂલ તેમજ ગોધાવીની શાળાઓનો સમાવેશ થાય છે.
ધમકી બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ શાળાઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જોકે કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધમકીભર્યા ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યા તેની તપાસ ચાલી રહી છે. સતત આવી ઘટનાઓ સામે આવતા રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે અને પ્રશાસન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel