દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા આકર્ષક વિદેશી પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળી રહ્યો છે. સાત કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલું આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ આશ્રયસ્થાન બન્યું છે. દર વર્ષે નવેમ્બર માસથી અહીં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થાય છે અને માર્ચના અંત સુધી તેઓ અહીં જ રોકાણ કરે છે. હાલ તો થોળ તળાવ પક્ષીઓના કલરવ અને કિલકિલાટથી ગુંજી ઉઠ્યું છે, જેના કારણે રોજબરોજ હજારો પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ મનોહર દ્રશ્યો જોવા તળાવની મુલાકાત લઈ રહ્યા છે.
ગુજરાતનું શિયાળાનું હવામાન વિદેશી પક્ષીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેના કારણે ન્યૂઝીલેન્ડ અને યુરોપ સહિતના અનેક દેશોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં શિયાળો વિતાવવા આવે છે. બેટ અને ખોરાકની પૂરતી ઉપલબ્ધતા હોવાના કારણે યાયાવર પક્ષીઓ ખાસ કરીને થોળ તળાવ જેવા ભેજવાળા વિસ્તારોને વધુ પસંદ કરે છે. આ પક્ષીઓ અહીં ઇંડા મૂકે છે અને તેમના બચ્ચાં પૂરતા મોટા થાય ત્યાં સુધી, એટલે કે શિયાળાના લગભગ ચાર મહિના સુધી તળાવ પાસે જ રહે છે. હાલ થોળ તળાવમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ સહિતના પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને એક અંદાજ મુજબ આ વર્ષે 60 હજારથી વધુ વિદેશી પક્ષીઓ તળાવના મહેમાન બન્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર પક્ષીઓથી ઉભરાઈ રહ્યો છે.
વિદેશી પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્તપણે વિહરતા જોવાનો લ્હાવો માત્ર પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ પક્ષીવિદો માટે પણ વિશેષ આકર્ષણ છે. પક્ષીઓના આગમન સાથે જ દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પક્ષીવિદો ઉમટી પડે છે, જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવનાર નિષ્ણાતો પણ સામેલ હોય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં થોળ તળાવ ખાતે આવતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેના માટે તળાવ ઊંડું કરવાની કામગીરીને મુખ્ય કારણ માનવામાં આવે છે. યાયાવર પક્ષીઓ એવા જ વિસ્તારો પસંદ કરે છે જ્યાં બેટ વધુ હોય, પરંતુ તળાવ ઊંડું કરવાના કામથી આ કુદરતી પરિસ્થિતિમાં ફેરફાર થતાં પક્ષીઓના આશ્રય પર અસર પડી રહી છે. તેમ છતાં, હાલમાં 60 હજારથી વધુ વિદેશી પક્ષીઓના આગમનથી થોળ તળાવ ફરી એક વખત પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બન્યું છે અને આ મનોરમ્ય દ્રશ્યો લોકોને ખાસ્સું આકર્ષી રહ્યા છે.
યાયાવર પક્ષીઓનું ગુજરાતમાં આગમન રાજ્ય માટે ગૌરવની વાત છે, પરંતુ માનવીની વધતી સ્વાર્થલોલુપ પ્રવૃત્તિઓ અને કુદરત પર થતા અતિરેક દબાણને કારણે પક્ષીઓ માટેનું કુદરતી વાતાવરણ જોખમમાં આવી રહ્યું છે. આવનારા સમયમાં જો યોગ્ય સંરક્ષણ પગલાં ન લેવામાં આવે, તો કદાચ આ યાયાવર પક્ષીઓના જીવંત દ્રશ્યોની જગ્યાએ લોકો માત્ર તેમના ચિત્રો જોઈને સંતોષ માનવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નોંધનીય છે કે ‘ગેઝેટ ઓફ ઈન્ડિયા’માં 18 ઑક્ટોબર 2013ના રોજ પ્રસિદ્ધ સૂચના મુજબ થોળ વિસ્તારને પરિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે ગામો મળી કુલ સાત ગામોને આવરી લેવામાં આવ્યા છે, જે આ વિસ્તારના સંરક્ષણની મહત્તા દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel