ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને દેશના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે બુધવારે (17 ડિસેમ્બર) મોડી રાત્રે નોઈડામાં તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રામ સુતાર છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. અનિલ સુતારે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ખૂબ જ દુઃખ સાથે અમે જણાવીએ છીએ કે મારા પિતા શ્રીરામ વણજી સુતારનું 17 ડિસેમ્બરે મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું.”
રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી, 1925ના રોજ હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને શિલ્પકળા પ્રત્યે ગાઢ રસ હતો, જે આગળ જઈને તેમની ઓળખ બન્યો. મુંબઈની પ્રતિષ્ઠિત સર જેજે સ્કૂલ ઑફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર રામ સુતાર ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા હતા. તેમની સર્જનાત્મક પ્રતિભાએ તેમને દેશના સૌથી પ્રતિષ્ઠિત શિલ્પકારોમાં સ્થાન અપાવ્યું. સંસદ સંકુલમાં સ્થાપિત ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની ભવ્ય પ્રતિમા તેમની સૌથી જાણીતી કૃતિઓમાં સામેલ છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલી 182 મીટર ઊંચી ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું ડિઝાઇન તૈયાર કરીને તેમણે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
શિલ્પકળામાં તેમના અદ્વિતીય યોગદાન બદલ રામ સુતારને અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સન્માનો મળ્યા હતા. તેમને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના સર્વોચ્ચ સન્માન ‘મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર’થી પણ તેમને નવાજવામાં આવ્યા હતા. રામ સુતારના અવસાન સાથે દેશે એક એવા મહાન શિલ્પકારને ગુમાવ્યો છે, જેમણે પોતાની કલાથી ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel