બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા અંગે ચિંતાઓ સતત વધી રહી છે, તેવા સમયે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ હવે 24 ડિસેમ્બરની રાત્રે 29 વર્ષીય હિંદુ યુવક અમૃત મંડલની લિંચિંગ કરવામાં આવી છે. સ્થાનિક અહેવાલો મુજબ આ ઘટના રાજબાડી જિલ્લાના પાંગશા ઉપજિલ્લાના હોસેનડાંગા ગામના જૂના બજાર વિસ્તારમાં રાત્રે આશરે 11 વાગ્યે બની હતી. પોલીસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અમૃત મંડલ પોતાના કેટલાક સાથીઓ સાથે સ્થાનિક રહેવાસી શાહિદુલ ઇસ્લામના ઘરે ખંડણીના પૈસા ઉઘરાવવા ગયો હતો. પૈસા આપવાની ના પાડતા વિવાદ વધ્યો અને આ દરમિયાન અમૃતના જૂથે શાહિદુલના પુત્ર પર હુમલો કર્યો. ત્યારબાદ ઘરના લોકોએ ‘ચોર-ચોર’ની બૂમો પાડી, જેને કારણે આસપાસના લોકો એકઠા થયા અને સ્થિતિ ઝડપથી હિંસક બની ગઈ. એકઠા થયેલા ટોળાંએ અમૃત મંડલ પર બેરહેમીથી મારપીટ કરી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
પોલીસ મુજબ, ઘટનાપછી અમૃતના અન્ય સાથીઓ ભાગી છૂટ્યા હતા, જોકે એક સાથી સેલિમ શેખને પિસ્તોલ અને સિંગલ-શૂટર ગન સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. અમૃત મંડલને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ તેના શબને પોસ્ટમોર્ટમ માટે રાજબાડી સદર હોસ્પિટલમાં મોકલી દેવાયું. પોલીસ રેકોર્ડ અનુસાર, અમૃત મંડલ ‘સમ્રાટ બહિની’ નામની સ્થાનિક ગેંગનો નેતા હતો અને તેની સામે ખંડણી તથા હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે અને મોબ હિંસામાં સામેલ લોકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ મૈમનસિંઘ જિલ્લામાં ઈશનિંદાના આરોપમાં દીપુ ચંદ્ર દાસની લિંચિંગની ઘટના બની હતી, જેના કારણે તણાવ વધ્યો હતો. જોકે, આ કેસ અંગે પોલીસનો દાવો છે કે અમૃત મંડલની હત્યા ખંડણીના પ્રયાસ સાથે સંકળાયેલી છે અને તેમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી, છતાં સતત આવી ઘટનાઓ બાંગ્લાદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel