ભારતની મેજબાનીમાં યોજાયેલી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20ની તૈયારીઓ પૂરી થઇ ચુકી છે. આ સંમેલન 13 અને 14 ઓક્ટોબરે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભૂમિમાં થશે. જેના માટે દિલ્લીને સજાવવામાં આવી છે. આથી ફરી G-20 જેવા નજારા જોવા મળશે.
શું છે P-20 સંમેલન?
આ P-20 સંમેલન એ G-20 સાથે જોડાયેલું છે. P-20 એટલે સંસદીય સ્પીકર્સ સમિટ. જેમાં G-20ના સભ્ય દેશના અધિકારીઓ સામેલ થશે. આ ઉપરાંત આમંત્રિત દેશોના અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. જેમાં અધ્યક્ષ દ્વારા ભારતના લોકતંત્ર વિષે માહિતી મેળવવામાં આવશે. જેમાં ભારતીય સંસદની અધ્યક્ષતામાં G-20 દેશોની સંસદના સ્પીકર્સ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. દર વર્ષે G-20 બાદ P-20ની બેઠક યોજાઈ છે. જેમાં આ વર્ષે ભારત આ બેઠકની મેજબાની કરશે. આ નવમી P-20 બેઠક છે, જે ભારતમાં આયોજિત થશે. 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હી G20 લીડર્સ સમિટમાં આફ્રિકન યુનિયન G20 ના સભ્ય બન્યા પછી પાન-આફ્રિકન સંસદ પ્રથમ વખત P20 સમિટમાં ભાગ લેશે.
આ બેઠકમાં ચર્ચાશે આ મુદ્દા
પીએમ મોદી 13 ઑક્ટોબરે G-20 સભ્ય દેશોની સંસદીય સ્પીકર્સ સમિટ એટલે કે ‘P-20’નું ઉદ્ઘાટન કરશે. આ બેઠકમાં લિંગ સમાનતા, પર્યાવરણ, લોકતંત્રની શક્તિ, મહિલા નેતૃત્વ વિકાસ, ગ્રીન એનર્જી જેવા અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ વખતે ભારતમાં યોજાનારી P-20 કોન્ફરન્સની થીમ ‘વસુધૈવ કુટુંબકમ-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ’ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ભારત તરફથી આ સમિટમાં ભાગ લેશે. તેવી જ રીતે અન્ય દેશોની સંસદના વડાઓ પણ બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચી રહ્યા છે. તેમના સ્વાગત માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીમાં પણ તમામ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.