હમાસે ઈઝરાયેલને અત્યાર સુધીનું સૌથી મોટું જખમ આપ્યું છે. હમાસના હુમલામાં લગભગ 800 ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે. જો કે, ઈઝરાયેલે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલી સેનાએ સમગ્ર ગાઝાને ઘેરી લીધું છે. પરંતુ ઈઝરાયેલના બદલાનો લેવાનો વાસ્તવિક પાત્ર તો તે છે જેણે હમાસને ફંડિગ આપ્યુ અને શસ્ત્રો પૂરા પાડ્યા તથા તેને હુમલા માટે ટ્રેનિંગ આપી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ભીષણ હુમલા માટે હમાસને ઈરાન પાસેથી મદદ મળી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે ઈઝરાયેલ દરેક દુશ્મન પર વાર કરશે પરંતુ એવું લાગે છે કે ઈરાન તેમાં સૌથી પહેલા હશે. ઈરાન પર ઈઝરાયેલના હુમલા પાછળ માત્ર તાત્કાલિક કારણો જ નથી અન્ય પાંચ કારણો છે જેના કારણે યુદ્ધ નિષ્ણાતોને લાગી રહ્યું છે કે ઈરાન પર ટૂંક સમયમાં હુમલો સંભવ છે.
1. હમાસ અને હિઝબુલ્લાને ખુલ્લેઆમ સમર્થન આપતુ આવ્યુ છે ઈરાન
આજથી લગભગ 4 વર્ષ પહેલા લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ઈરાન સામે યુદ્ધ શરૂ કરવાની તસ્દી લેશે તો ઈઝરાયેલને નિર્દયતાથી બોમ્બમારો કરીને જવાબ આપવામાં આવશે. એનો અર્થ એ કે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ઘણા સમય પહેલાથી રાહ જોઈને બેઠુ હતું કે, ક્યારે તેમને અવસર મળે અને તેઓ ઈઝરાયલ પર હુમલો કરી દે. તે સમયે ખુલાસો થયો હતો કે, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ ઘણી હદ સુધી પૂર્ણ કરી લીધો છે. બીજી તરફ એ જ સમયે ઈરાની સેનાએ એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું. એવું કહેવાય છે કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ પણ આપ્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લીધો હતો. હિઝબુલ્લાહને ઈરાન તરફથી મિલિટ્રી ટ્રેનિંગ, હથિયાર અને ફંડ પણ મળતુ આવ્યુ છે. તેને સીરિયા તરફથી પણ સમર્થન મળતું આવ્યુ છે. ઈઝરાયેલ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે ઈરાન તેની વિરુદ્ધ સીરિયાની જમીનનો ઉપયોગ કરે છે. જુલાઈ 2006માં પણ હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા. 160 ઈઝરાયેલ સૈનિકો પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ પર અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધ છે. હિઝબુલ્લાહ શરૂઆતથી જ પશ્ચિમ અને ઈઝરાયલની આંખનો કાંટો છે. મધ્ય એશિયામાં પણ ઘણા દેશોને આ સંગઠન પસંદ નથી. એ નિશ્ચિત છે કે હવે ઈઝરાયેલ હિઝબુલ્લાના મૂળ પર વાર કરશે. એટલા માટે ઈરાન પર હુમલો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
2. સાઉદી માટે માથાનો દુ:ખાવો છે યમનના ઈરાન સમર્થિત હૂતી ગોરિલ્લા
ઈરાનને નબળું પાડીને ઈઝરાયેલ મધ્ય એશિયામાં સમર્થન એકઠું કરવા ઈચ્છે છે. હૂતીઓના ઠેકાણા પર સાઉદી અરેબિયાએ ગત વર્ષે ઘાતક હવાઈ હુમલા કર્યા હતા પરંતુ હજુ પણ હૂતીઓએ તેમનું જીવવું મુશ્કેલ કરી રાખ્યુ છે હૂતીઓ સામે સાઉદીની આગેવાની હેઠળ બનેલું ગઠબંધન સભ્ય યુએઈ પણ છે. ગત વર્ષે 17 જાન્યુઆરીના રોજ હૂતીઓએ અબુ ધાબી નજીક એક ઔદ્યોગિક મથક પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેલની ટ્રકોમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં ત્રણ વિદેશી કામદારોના પણ મોત થઈ ગયા હતા. હૂતીઓએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પણ હુમલો કર્યો હતો. સાઉદી અરેબિયાએ 2015માં હૂતી વિદ્રોહીઓનો સામનો કરવા અને યમનમાં સરકારને પુનઃસ્થાપિત કરવા માટે આરબ દેશોનું લશ્કરી ગઠબંધન તૈયાર કર્યું હતું.
3. ઈઝરાયેલ માટે તમામ મુશ્કેલીઓનું જડ ઈરાન
શનિવારે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલ હુમલાને ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ ઈરાનનું સમર્થન ગણાવ્યું છે. હમાસને ઈરાની સુરક્ષા અધિકારીઓએ ટ્રેન કર્યા હતા. આ સમાચાર પત્રએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડના કેટલાક જૂના અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે, હમાસે ઓગષ્ટ મહિનાથી જ ઈઝરાયેલ પર હવા, જમીન અને સમુદ્રમાં હુમલાની તૈયારી કરી રહ્યું હતું. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડના અધિકારીઓએ જ હમાસના હુમલાની ઝાણવટભરી રણનીતિ તૈયાર કરી હતી. આ સમાચાર પત્રએ દાવો કર્યો છે કે, જો ઈરાનના સહયોગની વાત સાચી સાબિત થાય છે તો હવે ઈરાન સાથે ઈઝરાયેલની લડાઈ આમને-સામને થશે.
4. ઈરાન પ્રત્યે નરમ બાઈડેન પર રિપબ્લિકન અને દક્ષિણપંથીઓને દબાવ
ઈઝરાયેલ પર થયેલા ઘાતક અને અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલને સંપૂર્ણ મદદ કરવાનીની ઓફર કરી છે. પરંતુ બાઈડનને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, તેમના વહીવટીતંત્રએ કેદીઓની અદલાબદલીની સાથે જ ઈરાન માટે છ અબજ ડોલરના ફંડને કેમ મંજૂરી આપી. હવે આ મુદ્દો એટલો વેગ પકડી રહ્યો છે કે રિપબ્લિકન પાર્ટી હવે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બાઈડનને હાંકી કાઢવાની માંગ કરી રહી છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેન્ટિસે કહ્યું કે, ઈરાને ઈઝરાયેલ સામેના આ યુદ્ધમાં ફંડિંગમાં મદદ કરી છે અને જો બાઈડેનની નીતિઓએ ઈરાનની તિજોરી ભરી દીધી છે. તેમણે કહ્યું કે બાઈડેનની નીતિઓ ઈરાન માટે ફાયદાકારક છે અને હવે ઈઝરાયેલ તેની કિંમત ચૂકવી રહ્યું છે.
5. ઈરાન કોઈ પણ સમયે પરમાણુ હથિયાર પ્રાપ્ત કરી શકે છે
વર્ષોથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન કોઈ પણ સમયે પરમાણુ બનાવી શકે છે. હવે તાજેતરમાં જ એવી ખબરોએ ફરી વેગ પકડ્યો છે કે, ઈરાન માત્ર બે અઠવાડિયામાં જ પરમાણુ હથિયાર બનાવી શકે છે. અમેરિકી ડિફેન્સ મિનિસ્ટ્રીએ સ્ટ્રેટેજી ફોર કાઉન્ટરિંગ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન રિપોર્ટ 2023માં આ જાણકારી આપવામાં આવી છે. ઈરાને યુરેનિયમને 60% સુધી સંવર્ધિત કરી લીધુ છે. મેં 2023માં મળેલી સેટેલાઈટ તસવીરોથી પણ એ ખુલાસો થયો હતો કે ઈરાન પહાડોની નીચે પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે. અમેરિકાએ 2021થી જ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવાથી રોકવા માટે UN સિક્યુરિટી કાઉન્સિલ, યુરોપિયન યુનિયન વગેરે દ્વારા પ્રતિબંધો લગાવડાવ્યા હતા. આ વચ્ચે લગભગ પાંચ વર્ષ સુધી ઈરાનને રાહત મળી ગઈ. પરંતુ જાન્યુઆરી 2020માં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી ઈરાન પર કડક પ્રતિબંધો લગાવી દીધા. પરંતુ એવું કહેવાય છે કે, બાઈડેન શાસનમાં આવ્યા બાદ ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ ફરી નરમ થઈ ગયું છે. પરંતુ હવે અમેરિકા પાસે તક છે કે, તે ઈઝરાયેલ પર હુમલાના બહાને ઈરાન પર આક્રમણ કરીને તેના પરમાણુ હથિયાર કાર્યક્રમને રોકી શકે.