ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સહિતના રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોને ઇમેલ મારફતે બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યા અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી.
બિહારમાં પટના, ગયા અને કિશનગંજની જિલ્લા અદાલતોને નિશાન બનાવવામાં આવી હતી. પટના સિવિલ કોર્ટને મળેલા ઇમેલમાં પરિસરમાં RDX મૂકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માહિતી મળતાં જ ન્યાયાધીશો, વકીલો અને સામાન્ય નાગરિકોને બહાર કાઢીને પીરબાહોર પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જ્યારે ગયા કોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવી. મધ્ય પ્રદેશમાં રીવા જિલ્લા અદાલત તેમજ છત્તીસગઢના બિલાસપુર અને રાજનંદગાંવ કોર્ટમાં પણ આવી જ ધમકી મળતા બોમ્બ ડિસ્પોઝલ ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
શિમલા સ્થિત હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ અને ઓડિશા હાઇકોર્ટના અધિકૃત ઇમેલ આઇડી પર પણ ધમકીભર્યા સંદેશા પહોંચ્યા હતા, જેના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પંજાબમાં મોગા, રૂપનગર, શ્રી આનંદપુર સાહિબ અને ફિરોઝપુરની જિલ્લા અદાલતોને પણ ધમકી મળતાં અદાલતી કાર્યવાહી અસ્થાયી રીતે અટકાવી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, સુરત, ભરુચ, આણંદ અને રાજકોટની અદાલતોને પણ આવી જ રીતે બોમ્બની ધમકી મળી હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. હાલ તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ તમામ ઇમેલ કોઈ એક જ સોર્સ અથવા સર્વર પરથી મોકલવામાં આવ્યા છે કે કેમ. પ્રાથમિક રીતે આ ધમકીઓ ખોટી હોવાની શક્યતા જણાઈ રહી છે, છતાં 26 જાન્યુઆરી નજીક હોવાથી સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel