અયોધ્યામાં સોમવારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેનાં બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન જણાવ્યું કે, દેશમાં કોઇ રામલહેર નથી. ગુવાહાટીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર પણ કર્યા અને કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હતો. આ દરમિયાન અસામમાં ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પર એફઆઈઆર નોંધવામાં આવી, જેને લઈને રાહુલ ગાંધીએ અાસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર નિશાન તાકીને કહ્યું કે, હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, અમારી યાત્રા દરમિયાન કોઇ વિરોધ પ્રદર્શન થયા નથી. ભાજપના લોકો મારી તરફ હાથ હલાવી રહ્યા હતા, હું તેમની તરફ ફ્લાઇંગ કિસ આપી રહ્યો હતો. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી ન્યાય યાત્રા રોકીને આસામના મુખ્યમંત્રી એક રીતે અમારી મદદ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, છેવટે ભાજપ તમારી યાત્રાનો વિરોધ શું કામ કરે ? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે ગત વખતે યાત્રા કાઢી હતી તો ભાજપ કહેતું હતું કે અમારી યાત્રાની કોઈ અસર થશે નહીં. પરંતુ કન્યાકુમારી સુધી પહોંચતા-પહોંચતા આ યાત્રાએ સફળતાનો વિક્રમ રચી દીધો હતો. એટલા માટે આ વખતે શરુઆતથી યાત્રામાં વિધ્નો નાખવામાં આવી રહ્યા છે. જોકે, આ વિરોધની કોઇ અસર થવાની નથી.
રાહુલે એમ પણ કહ્યું કે, અમને કોલેજમાં જવાથી રોકવામાં આવ્યા, તો કોલેજની બહાર લોકો આવી ગયા. મેં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ લોકો બજરંગ દળની યાત્રા રોકતા નથી, પણ અમારી યાત્રા રોકી રહ્યા છે.
રાહુલ, કેસી વેણુગોપાલ, કનૈયા કુમાર સામે FIR
ગુવાહાટીઃ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર જણાવ્યું હતું કે, હિંસા, ભડકામણાં નિવેદન, જાહેર મિલકતને નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હૂમલો કરવા બદલ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કનૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓ વિરુધ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામના જોરાબાટમાં કોંગ્રેસ કાર્યકરોએ બેરિકેડ હટાવવાની કોશિશ કરી હતી. . રાહુલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનાં હૃદયમાં ડર હોવાથી મુખ્યમંત્રીએ મારી વિરુધ્ધ એફઆઇઆરનો આદેશ આપ્યો છે.
વડાપ્રધાનના જુમલા સૂર્ય સુધી પહોંચ્યા: ખડગેનો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રુફટોપ સોલર યોજનાની જાહેરાત સામે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કટાક્ષ કર્યો છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘જુમલા’ હવે સૂર્ય સુધી પહોંચ્યા છે. ખડગેએ એક્સ પર જણાવ્યું હતું કે, “વડાપ્રધાને ગઇકાલે એક કરોડ ઘર પર સોલર રુફટોપ લગાવવાનો નવો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રીજીના જુમલા હવે સૂર્ય સુધી પહોંચ્યા છે. વાસ્તવિકતા એ છે કે ભાજપના ૧૦ વર્ષના શાસનમાં સરકાર ૧૦ લાખ ઘરની છત પર પણ રુફટોપ સોલર લગાવી શકી નથી.