જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો, છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનાઓની FIR નોંધાઈ છે.
ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીઓને હાજર થવા નોટિસ અપાતા, 28 ડિસેમ્બરે આપના એકમાત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આરોપી નેતાઓને ગળામાં ફૂલના હાર પહેરાવી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાં જ વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસ સ્ટેશનમાં મહિલા PI સાથે ગોપાલ ઇટાલિયાની ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મહિલા PIએ શાંતિ અને શિસ્તથી વાત કરવાની અપીલ કરતાં ઇટાલિયા વધુ ઉશ્કેરાયા હતા અને અચાનક જાહેરમાં નાટકીય રીતે મહિલા PIના પગે દંડવત થઈ ગયા હતા. “લ્યો બેન, પગે લાગું છું” જેવા શબ્દો સાથે કરાયેલા આ વર્તનથી પોલીસ અધિકારીઓ નારાજ થયા હતા અને મહિલા PI સ્થળ છોડીને રવાના થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં ઇટાલિયા વારંવાર ‘ખોટી ફરિયાદ’ હોવાનો દાવો કરી પોલીસ પાસેથી પુરાવાની માંગ કરતા જોવા મળે છે, જ્યારે તેમના સમર્થકો હાકલા-પડકારા કરીને સમગ્ર ઘટનાને વધુ ઉશ્કેરતા નજરે પડે છે.
આ સમગ્ર વિવાદ અંગે વિસાવદરના ASP રોહિત ડાગરે જણાવ્યું હતું કે, મગફળી ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ચાલી રહી હતી તે દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય AAP કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા. મગફળી બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઝઘડામાં ફેરવાઈ હતી. પોલીસ મુજબ આરોપીઓએ એક શ્રમિકને માર માર્યો હતો, તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ આધારિત અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના આધારે ફરિયાદ નોંધાઈ છે.
એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર કલમો હેઠળ FIR નોંધાયા બાદ પણ આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં હાર પહેરાવી રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન લાવીને કાયદા અને તંત્ર સામે પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પોલીસ અને વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ખેડૂતો માટે અવાજ ઉઠાવનારાઓને ફસાવવા માટે ષડ્યંત્ર રચાયું છે અને એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, જૂનાગઢ પોલીસના SC/ST સેલ દ્વારા BNSSની કલમ 35(3) મુજબ આરોપીઓને તપાસમાં હાજર રહેવા નોટિસ અપાઈ છે અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel