વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે એક દિવસ માટે વતન આવી રહ્યા છે. જેના માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવની ઉજવણી કરાશે.. પીએમ મોદી રૂપિયા 1946 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 42 હજાર 441 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેના કારણે લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત તેઓ 2 હજાર 452 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શું છે વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ ?
પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો આવતીકાલે સવારે 10 કલાકે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાંથી સીધા જ ગિફ્ટી સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે આયોજીત અમૃત આવાસોત્સવમાં ઉપસ્થિત રહેશે અને રૂપિયા 1,946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે, તો બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.
જ્યારે 3 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન, સંગઠનના પદાધિકારીઓ અને મુખ્ય સચિવો સાથે ગિફ્ટ સિટીમાં મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાતને અસર કરતા મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા છે. મેરેથોન બેઠક બાદ પીએમ મોદી સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.