અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ ચિબને સોશિયલ મીડિયા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકની અંદર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે જ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ X (પૂર્વે ટ્વિટર), ગૂગલ અને યુટ્યુબને પણ આ વિડીયો 72 કલાકમાં હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 18 ડિસેમ્બરે એડિશનલ સિવિલ જજ શ્રીકાંત શર્માએ આ આદેશ પસાર કર્યો હતો. આ વિવાદાસ્પદ વિડીયો કોંગ્રેસના અધિકૃત X હેન્ડલ પરથી 17 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મોદી અને અદાણી વચ્ચેની કાલ્પનિક વાતચીત દર્શાવવામાં આવી હતી અને કેપ્શન મૂકાયું હતું કે “મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ બેચકર ખાઈ મલાઈ”.
અદાણી એન્ટરપ્રાઇઝીઝે દાવો કર્યો છે કે આ વિડીયો ડીપફેક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે. કંપનીની અરજી મુજબ, આ વિડીયોમાં અદાણી ગ્રુપ પર ભ્રષ્ટાચાર, ગુનાહિત પ્રવૃત્તિઓ, જમીન કબજા, રાજકીય પ્રભાવના દુરુપયોગ, ખાનગી નાગરિકોને હેરાન કરવા, કૃષિ જમીનનું ગેરકાયદેસર અધિગ્રહણ અને ગુનેગાર તત્વો સાથે સંડોવણી જેવા ગંભીર અને આધારવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે.
અદાણી કંપનીએ આ તમામ આરોપોને ખોટા, ઘડેલા અને દુર્ભાવનાથી પ્રેરિત ગણાવ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે આ પ્રકારની સામગ્રી પ્રથમ દૃષ્ટિએ અદાણીની પ્રતિષ્ઠાને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને સમાજમાં તેની છબી પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આદેશનું પાલન ન થાય તો અદાણી એન્ટરપ્રાઇઝીઝને IT નિયમો, 2021 હેઠળ આગળની કાર્યવાહી કરવાની છૂટ પણ આપવામાં આવી છે. ઉપરાંત, કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે શો-કોઝ નોટિસ જારી કરી છે. આ કેસે રાજકીય પ્રચારમાં ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ અને તેના કાનૂની પાસાઓ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા ઊભી કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel