રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના પગલાંનો બચાવ કર્યો હતો.
શરદ પવારની કરી અવગણના!
અજિત પવારે આઠ અન્ય NCP ધારાસભ્યો સાથે શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયા બાદ બે જુલાઈએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે ઉપમુખ્યમંત્રી તરીકે મંગળવારે 100 દિવસનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ અવસરે અજિત પવારે મહારાષ્ટ્રના પહેલાં મુખ્યમંત્રી દિવંગત યશવંતરાવ ચૌહાણને પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા. જોકે તેમણે પોતાના કાકા અને એનસીપીના સંસ્થાપક શરદ પવારના નામનો ઉલ્લેખ ન કર્યો.
શરદ પવાર યશવંત ચૌહાણને માને છે રાજકીય ગુરુ
અજિત પવારે યશવંતરાવ ચૌહાણના વારસા પર દાવો કરતાં કહ્યું કે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી સાથે તેમને લોકોના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા મળે છે. શરદ પવાર યશવંત રાવ ચૌહાણને પોતાના રાજકીય ગુરુ માને છે. ખુદને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવતા અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સમાજના તમામ વર્ગોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.