આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાના સમાચાર મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ સમાચાર મળતા જ તાત્કાલિક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડ્રોનની શોધખોળ શરૂ કરી હતી. સવારે લગભગ 5 વાગ્યે, એસપીજીએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને દળોએ ડ્રોનની શોધ શરૂ કરી હતી.
નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડ્યું
હજુ સુધી એકપણ ડ્રોન પકડાયું નથી. આ ડ્રોન કોનું છે અને પીએમ આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પીએમનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.
ATCનો પણ કરાયો સંપર્ક
દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તપાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. તેમના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુ વિશે માહિતી મળી હતી. આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આવી કોઈ વસ્તુ મળી નથી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ પીએમના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.