સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના અધિકારને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે કોઇ પણ મુસ્લિમ મહિલા છૂટાછેડા લીધા બાદ પોતાના પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે. મુસ્લિમ મહિલાઓને આ અધિકાર સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ આપવામાં આવ્યો છે. પતિએ ભરણપોષણ આપવાના તેલંગાણા હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે અને આ ચુકાદો આપવામાં આવ્યો છે.
તેલંગાણાના મોહમ્મદ અબ્દુલ સમદ નામના એક વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા, પતિ ઇદ્દતના સમય સુધી મહિને ૧૫ હજાર ભરણપોષણ આપવા તૈયાર થયો હતો, જોકે પત્નીએ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માગ કરી હતી, જેનો ફેમેલી કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો. બાદમાં પતિએ ફેમેલી કોર્ટના નિર્ણયને તેલંગાણા હાઇકોર્ટમાં પડકાર્યો હતો, હાઇકોર્ટમાં અબ્દુલે એવી દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માગ કરતી અરજી કરવાનો અધિકાર નથી ધરાવતી. મહિલાએ મુસ્લિમ મહિલા (છૂટાછેડા સમયે મહિલાના અધિકારોનું રક્ષણ) કાયદો ૧૯૮૬ હેઠળ જ ચાલવુ પડે જેમાં ઇદ્દતના સમય સુધી જ ભરણપોષણ આપી શકાય.
એવામાં કોર્ટ સમક્ષ સવાલ એ હતો કે મુસ્લિમ મહિલાને ભરણપોષણ માટે ૧૯૮૬ના કાયદા હેઠળ અધિકાર મળવા જોઇએ કે સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ. બાદમાં હાઇકોર્ટે પતિની દલીલોને ફગાવી હતી અને પત્નીને મહિને ૧૦ હજાર રૂપિયા ભરણપોષણ આપવા પતિને આદેશ કર્યો હતો. જેની સામે બાદમાં પતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીઆરપીસીની કલમ ૧૨૫ અને મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે ૧૯૮૬માં તત્કાલીન રાજીવ ગાંધીની સરકાર દ્વારા ઘડાયેલા કાયદા પર દલીલો થઇ હતી. દલીલો બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ માસિહની બેંચ દ્વારા ચુકાદો અપાયો હતો. બન્ને ન્યાયાધીશોના પ્રતિભાવ અલગ હતા પણ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મુદ્દે બન્નેએ સહમતિથી ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સીઆરપીસીની કલમ માત્ર પરણિત મહિલાઓ જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ થાય છે. તેથી જો કોઇ મુસ્લિમ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હોય તો પણ તે કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માગી શકે છે. અને આ સ્થિતિમાં મુસ્લિમ મહિલાઓ માટે ૧૯૮૬માં અમલમાં આવેલો ધાર્મિક કાયદો સીઆરપીસીની સેક્યુલર કલમ ૧૨૫ની જોગવાઇની વચ્ચે નથી આવતો. મુસ્લિમ મહિલા આ બન્નેમાંથી જે પણ કાયદા હેઠળ ઇચ્છે તે કાયદા મુજબ ભરણપોષણની માગણી કરી શકે છે.
મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર મળતા અધિકારોના રક્ષણ) કાયદો 1986
૧૯૮૫માં સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં કહ્યું હતું કે કલમ ૧૨૫ ધર્મનિર્પેક્ષ છે, અને છૂટાછેડા લીધેલી મુસ્લિમ પત્ની પણ ભરણપોષણ માગી શકે, આ ચુકાદા બાદ મુસ્લિમ સમાજમાં રોષ વધ્યો અને ચુકાદાનો વિરોધ થયો, જે બાદ ૧૯૮૬માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર મળતા અધિકારોના રક્ષણ) માટે કાયદો ઘડયો, જેમાં ભરણપોષણની પણ જોગવાઇ કરવામાં આવી. જે મુજબ મુસ્લિમ મહિલાને છૂટાછેડા બાદ ઇદ્દતના (૯૦ દિવસ) સમય સુધી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે સાથે મેહર પણ આપવાની રહેશે. જે બાદ પણ મુસ્લિમ મહિલા પોતાની કાળજી રાખવા સક્ષણ ના હોય તો મેજિસ્ટ્રેટ પતિ, પરિવારજનો કે વકફ બોર્ડને ભરણપોષણ માટે આદેશ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠેલા સવાલો
અરજદાર પતિએ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મુસ્લિમ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હોવા છતા તે માત્ર ૧૯૮૬માં મુસ્લિમ મહિલાઓ માટે બનાવાયેલા કાયદા હેઠળ જ ભરણપોષણ માગી શકે, તેને સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માગવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે મુસ્લિમ મહિલા આ બન્ને કાયદામાંથી ઇચ્છે તે કાયદાનો ઉપયોગ કરીને ભરણપોષણ માગી શકે છે. તેથી એ સવાલ જ નથી ઉભો થતો કે મુસ્લિમ મહિલા માત્ર ૧૯૮૬માં બનેલા કાયદા હેઠળ જ ભરણપોષણ માગવાને પાત્ર છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પતિની અપીલને ફગાવી દીધી હતી.
સીઆરપીસીની કલમ 125માં ભરણપોષણની જોગવાઇ
સીઆરપીસીની કલમ ૧૨૫ એવા લોકોના અધિકારોનું રક્ષણ કરે છે જેઓ નિરાધાર હોય છે. જેમ કે બાળકો, માતા પિતા, પત્ની વગેરે. કલમ ૧૨૫માં પત્નીઓ માટે જણાવવામાં આવ્યું છે કે જો પત્નીને ઘરમાંથી કાઢી મુકી હોય કે છૂટાછેડા લઇ લીધા હોય પણ પત્નીએ બીજા લગ્ન ના કર્યા હોય અને પોતાનું ગુજરાત ચલાવી શકે તેમ ના હોય તો તેવી સ્થિતિમાં આ કલમ હેઠળ જેનાથી છૂટાછેડા લીધા હોય તેની પાસેથી ભરણપોષણની માગણી કરી શકે છે. આ કેસમાં પણ મુસ્લિમ મહિલાએ આ કાયદાની આ જોગવાઇનો ઉપયોગ કરીને છૂટાછેડા બાદ પણ ભરણપોષણની માગ કરી હતી જેને ફેમેલી કોર્ટ, હાઇકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે.