બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરી છે. આ સાથે જ ભારત-કેનેડા વિવાદને ઘટાડવાનું આહવાન કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, વાતચીતથી રાજદ્વારી વિવાદ ઓછો થશે.
બ્રિટિશ ભારતીય નેતાએ ટ્રુડોને ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ અંગેની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સુનકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તમામ દેશોએ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનના નિયમો સહિત સાર્વભૌમત્વ અને કાયદાઓનું સન્માન કરવું જોઈએ. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ભારત-કેનેડા વિવાદ ઓછો થશે.
સુનકે એ વાત પર પણ સહમતિ વ્યક્ત કરી કે, તે ટ્રૂડોના આગામી પગલા પર તેમની સાથે રહેશે.
આ છે મામલો
તાજેતરમાં જ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો હતો કે, બ્રિટિશ કોલંબિયાના સરેમાં થયેલ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતના સરકારી એજન્ટ સામેલ છે. ટ્રૂડોના આ નિવેદન બાદ ભારત-કેનેડાના વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.
ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવ્યા
બ્રિટનમાં આ રાજદ્વારી વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરઈસ્વામીને ખાલિસ્તાન સમર્થક ચરમપંથીઓએ ગત અઠવાડિયે સ્કોટલેન્ડના ગ્લાસગો ગુરુદ્વારામાં જતા અટકાવ્યા હતા.
તેમણે કહ્યું કે, હું એ જોઈને હેરાન છું કે, દુરઈસ્વામીને ગુરુદ્વારા સમિતિ સાથે બેઠક કરવાથી રોકવામાં આવ્યા. બીજી તરફ વિદેશ કાર્યાલયના મંત્રી એની મેરી ટ્રેવેલિયને કહ્યું કે, વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને બ્રિટનમાં પૂજા સ્થળ બધા માટે ખુલ્લા હોવા જોઈએ.