ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંગે અમેરિકાએ જે નિવેદન કર્યું હતું તેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. તેટલો જ વિરોધ રશિયાએ પણ તે માટે અમેરિકાની ઉગ્ર ટીકા કરી હતી. સહજ રીતે જ ભારતે અમેરિકાની તે ટીકા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રશિયાએ પણ અમેરિકાની તે હરકતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આથી અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ-મિલરે તે આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેવું બિલકુલ નથી. અમે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ દેશમાં યોજાતી ચૂંટણીઓમાં અમે હસ્તક્ષેપ કરતા જ નથી. તે તો તે દેશોની જનતા જ નક્કી કરે કે તે કેવી સરકાર ઇચ્છે છે.
વાસ્તવમાં અમેરિકાનાં વર્તમાન પત્ર વોશિંગ્ટન પોસ્ટે તેના થોડા દિવસ પૂર્વે પ્રસિદ્ધ કરેલા લેખમાં ભારતની જાસૂસી સંસ્થાઓ ઉપર આક્ષેપ મુક્યો હતો કે, અમેરિકાની ધરતી ઉપર જ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની નિષ્ફળ ગયેલી યોજના રચવામાં ભારતની જાસૂસી સંસ્થાઓના અધિકારીઓ સામેલ હતા.
લેખ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં રશિયાનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા મારિયા ઝખારોવાએ મોસ્કોનાં પત્રકારોને કહ્યું હતું કે, અમેરિકા હંમેશા ભારત ઉપર આવા આક્ષેપો કરી જ રહ્યું છે. તે જ દર્શાવે છે કે, અમેરિકાને ભારતીઓની માનસિકતા અને તેના ઇતિહાસની સમજ નથી.
તેઓએ તેમ પણ કહ્યું હતું કે, આવા આક્ષેપો એવે સમયે કરાયા છે કે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી અંગે મતદાન ચાલી રહ્યું છે. આ સ્પષ્ટત: દર્શાવે છે કે આવા આક્ષેપો કરી અમેરિકા ભારતના રાજકારણને અસ્થિર કરવા પ્રયત્ન કરી રહ્યું છે. તે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ બરાબર છે, અમેરિકાનું સંસ્થાનવાદી સમયનું માનસ છતું કરે છે.