અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ પર અમેરિકન સેનાએ નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સક્રિય આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર ઘાતક એરસ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને એવા આતંકીઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી, જેઓ લાંબા સમયથી નાઇજીરીયામાં નિર્દોષ ખ્રિસ્તીઓ પર હુમલા કરી તેમની હત્યા કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલાની પુષ્ટિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “આજે રાત્રે કમાન્ડર-ઈન-ચીફ તરીકે મારા નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઉત્તર-પશ્ચિમ નાઇજીરીયામાં ISISના આતંકી તત્વો પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ એ લોકો છે જેઓ વર્ષોથી નિર્દોષ ખ્રિસ્તીઓની ક્રૂર હત્યા કરી રહ્યા હતા.” ટ્રમ્પે વધુમાં કહ્યું કે, “મેં અગાઉ જ આ આતંકીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓનો નરસંહાર બંધ નહીં કરે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે, અને આજે રાત્રે અમે અમારો વાયદો પૂરો કર્યો છે.”
આ એરસ્ટ્રાઈક નાતાલના સમયમાં હાથ ધરવામાં આવી હોવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ધ્યાન ખેંચ્યું છે. યુએસ આફ્રિકા કમાન્ડ (AFRICOM) મુજબ, નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં, ખાસ કરીને સોકોટો રાજ્યમાં કરવામાં આવેલા આ ચોકસાઇભર્યા હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. નાઇજીરીયાના વિદેશ મંત્રાલયે પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ ઓપરેશન બંને દેશો વચ્ચેના સુરક્ષા સહયોગ અને ઈન્ટેલિજન્સ શેરિંગના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. પોતાની પોસ્ટના અંતે ટ્રમ્પે આક્રમક ભાષામાં લખ્યું કે, “ગોડ અમારી સેનાને આશીર્વાદ આપે અને સૌને મેરી ક્રિસમસ – એ મૃત આતંકીઓને પણ! જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા ચાલુ રાખશે તો હજુ વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવશે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel