મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક વધુ નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. વિમાન અને રેલવેની જેમ હવે એસ.ટી.ની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને તેમની સીટ પર જ પેકડ ફૂડ ઉપલબ્ધ કરાવવાની ‘ON DEMAND PACKED FOOD – FOOD ON BUS’ સેવા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ નવીન પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડવાનો તેમજ નિગમની નોન-ટ્રાફિક આવકમાં વધારો કરવાનો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂઆતમાં ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે, જેના માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત એસ.ટી. નિગમની એક્સપ્રેસ બસોના સંચાલિત રૂટ પર મુસાફરોને ચાલુ બસમાં જ ફૂડ મળી રહેશે. પાયલોટ તબક્કામાં અમદાવાદના પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ પોઈન્ટ પરથી ફૂડ ડિલિવરી આપવામાં આવશે. મુસાફરો નિગમની OPRS (Online Passenger Reservation System) મારફતે બસ ટિકિટ સાથે ફૂડનું એડવાન્સ બુકિંગ કરી શકશે. મુસાફરી દરમિયાન પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની સુવિધા રહેશે, પરંતુ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય ત્યાં પહોંચવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ઓર્ડર કરવો ફરજિયાત રહેશે.
આ સેવા માટે એસ.ટી. નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ મારફતે વિવિધ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે. પસંદગી પામેલી એજન્સીને તમાકુ, બીડી, ગુટકા, નોન-વેજ અથવા કોઈપણ પ્રતિબંધિત વસ્તુ બસમાં પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, ફૂડ સપ્લાયમાં અનિયમિતતા કે સમયસર ફૂડ ન આપવાના કિસ્સામાં રૂ. 5,000 થી રૂ. 10,000 સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. એસ.ટી. નિગમની આ પહેલ મુસાફરો માટે સુવિધાજનક સાબિત થવાની સાથે જાહેર પરિવહન સેવાને વધુ આધુનિક અને આકર્ષક બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel