ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલનો સાથ આપી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે આ યુદ્ધમાં ઈઝરાયેલની સાથે ઉભુ છે અને જ્યારે મદદની જરૂર પડશે ત્યારે થઈ શકે તેટલી મદદ કરવા માટે તૈયાર છે. અમેરિકાએ ઈઝરાયેલ પર હમાસના હુમલાને કડક શબ્દોમાં વખોડી નાખ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક દિવસ પહેલા જ કહ્યું છે કે તે હમાસ હુમલા પર દરેક રીતે નજર રાખી રહ્યું છે. તેમને કહ્યું કે હમાસ એક આતંકવાદી સંગઠન છે, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય યહૂદીઓને મારવાનો છે. ઉલ્લેખનીય છે કે હમાસના હુમલામાં 14 અમેરિકી નાગરિકોના પણ મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે તો ઘણા લોકો ગુમ થયા હોવાની જાણકારી પણ સામે આવી છે.
જો બાઈડેને જણાવ્યું કે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી છે અને શક્ય હશે ત્યાં સુધીની મદદ પણ પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું. અમેરિકાએ ઈઝરાયેલને લગભગ 8 અરબ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઘણા દેશો ઈઝરાયેલની સાથે છે તો ઘણા દેશ હમાસને સમર્થન આપી રહ્યા છે. અમેરિકા, ભારત, બ્રિટેન અને યૂરોપિયન યૂનિયન જેવા દેશ ઈઝરાયેલના સમર્થનમાં છે તો ઈસ્લામિક દેશ હમાસનું સમર્થન કરી રહ્યા છે, ત્યારે અન્ય દેશોએ મૌન સેવ્યુ છે અને સીઝફાયરનું આહ્વાન કરી રહ્યા છે.