હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નૌસેનાની હિલચાલને જોતા અમેરિકાએ પોતાની વાયુસેનાના એફ-35 અને એફ-17 તમેજ ડિસ્ટ્રોયર પ્રકારના યુધ્ધ જહાજ થોમસ હેડનરને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવા માટે આદેશ આપ્યો છે. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી શકે છે.
પેન્ટાગોને કહ્યુ છે કે, અમેરિકન હિતોની તેમજ આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જહાજોની અવર જવરની સુરક્ષા માટે અમેરિકા લડાકુ વિમાનોની તૈનાતી કરી રહ્યુ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં જ બે એવી ઘટનાઓ બની હતી જેના કારણે યુએસ સેન્ટ્રલ કમાન્ડને પોતાના યુધ્ધ જહાજો અને ફાઈટર જેટ્સને મોકલવા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઈરાની નૌસેનાના જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ તેમજ ઓમાનની ખાડીમાં વેપારી જહાજોને કબ્જે કરવાની કોશિશ કરી હતી. તે વખતે અમેરિકન નૌસેનાએ જહાજોનો બચાવ કર્યો હતો.
એક ઘટનામાં ઓઈલ ટેન્કર પર ઈરાનના સુરક્ષાબળોએ ફાયરિંગ કર્યુ હતુ અને જહાજને ટક્કર પણ મારી હતી.
પેન્ટાગોનનુ માનવુ છે કે, ઈરાન આ દરિયાઈ માર્ગ થકી વેપાર કરવાની આઝાદી પર ખતરો ઉભુ કરી રહ્યુ છે. કારણકે દુનિયાનો સૌથી વધારે ઓઈલ સપ્લાય આ રૂટ પરથી થાય છે.