પતિ-પત્નીના વિવાદોવાળા કેસોનો ભરાવો અસંખ્ય બની રહ્યો હોઈ હાઈકોર્ટેના આદેશ અનુસાર દંપતિને લગતા કેસો ફેમિલી કોર્ટ દ્વારા સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને સુખદ ઉકેલ માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આવો એક કિસ્સો કપડવંજ કપડવંજની એડિશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટ જ્જ કે.એસ.પટેલ તેમજ બન્ને પક્ષકારોના વકીલના પ્રયત્ન થકી એક વર્ષની બાળકી સાથેના દંપતિનું સુખદ સમાધાન કરી બન્ને પક્ષકારોને જ્જ સમક્ષ સમજાવટથી મિલન કરાવી ખૂબ પ્રશંસનીય નિર્ણયથી તેમજ દંપતિના મિલનથી કોર્ટમાં એક ખુશીનું વાતાવરણ ઉભું થયું હતું
બનાવની વિગત મુજબ કઠલાલની કોમલ શર્માનું લગ્ન અમદાવાદ ખાતે આશિષ પારેખ સાથે થયા હતાં.તેમજ તેઓને એક વર્ષની બાળકી પણ છે, પરંતુ કોમલબેનને પતિ આશિષ પારેખ સાથે સામાન્ય બોલાચાલી થતા કોમલબેન કઠલાલ તેમની દીકરીને સાસરીમાં મુકી પિયર આવી ગયા હતા, અને દીકરીનો કબજો મેળવવા બે દિવસ અગાઉ તેમના પતિ આશિષ પારેખ વિરુદ્ધ કપડવંજ એડિશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટ જ્જ કે.એસ. પટેલની કોર્ટમાં વકીલ મારફતે અરજી દાખલ કરી હતી.ત્યારબાદ એક દિવસ મુદત આપ્યા બાદ ત્રીજા દિવસે દિવસે બન્ને પતિ-પત્ની તેમજ બન્ને પક્ષકારોના વકીલ તેમજ જજના પ્રયત્નોથી બન્ને વચ્ચે સમાધાનકારી વલણ અપનાવી દંપતિનું સુખદ સમાધાન કરાવ્યું તેમજ કોર્ટના પ્રાંગણમાં બન્ને એકબીજાને હાર પહેરાવી મોં મીઠું કરી બન્ને સાથે ઘરે ગયા હતાં. કોર્ટ સંકુલમાં આ સુખદ સમાધાનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને સૌએ ખુશી વ્યક્ત કરી હતી.