હિંસા વચ્ચે મણિપુર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યભાર સંભાળી લીધો છે. ચાર દિવસના પ્રવાસ પર ગઈકાલે અમિત શાહ સોમવારે ઇમ્ફાલ પહોંચ્યા ત્યારથી તેઓ સતત ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે. સોમવારે સીએમ એન બિરેન સિંહ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આજે એટલે કે મંગળવારે શાહે મહિલા પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ આજે હિંસા પ્રભાવિત ચુરાચંદપુરની પણ મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.
3 મેથી શરૂ થયેલી હિંસા બાદ અમિત શાહની મણિપુર રાજ્યની આ પ્રથમ મુલાકાત છે. હિંસા પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આજે અનેક રાઉન્ડની બેઠકોની અપેક્ષા છે. નેતાઓ સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવ્યા બાદ અમિત શાહ બુધવારે બપોરે મીડિયા સાથે પણ વાત કરી શકે છે. જેમાં તેઓ હિંસા પર અંકુશ મેળવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી શકે છે.
મણિપુર રાજ્યમાં હિંસાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી બિરેન સિંહે તાજેતરમાં લોકોને સામાન્ય સ્થિતિ લાવવા માટે કામ કરવા વિનંતી કરી હતી. ઇમ્ફાલમાં મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કુલ 38 સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોને પણ આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યા છે.
મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં 3 મેના રોજ આદિવાસી એકતા કૂચ કાઢવામાં આવી હતી. કૂચ દરમિયાન જ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને ટૂંક સમયમાં આખા શહેરમાં અને પછી ઘણા જિલ્લાઓમાં હિંસાની આગ પ્રસરી હતી. હિંસામાં અત્યાર સુધીમાં 75થી વધુ લોકોના મોત થયા છે, જેમાં પાંચ પોલીસકર્મીઓ પણ સામેલ છે.
વાસ્તવમાં, મણિપુરમાં મુખ્યત્વે ત્રણ સમુદાયના લોકો રહે છે. આમાં મેતેઈ, નાગા અને કુકીનો સમાવેશ થાય છે. આદિજાતિમાં નાગા અને કુકી આવે છે. 30-35 લાખની વસ્તીવાળા આ રાજ્યમાં મેતેઈની બહુમતી છે. મેતેઈ સમુદાય માંગ પર અડગ છે કે તેમને પણ આદિજાતિનો દરજ્જો આપવામાં આવે જેથી તેઓ અનામતનો લાભ લઈ શકે. બીજી તરફ આદિવાસી સમુદાયનું કહેવું છે કે રાજ્યમાં મેતેઈ સમુદાય બહુમતી છે. તેમને પહેલેથી જ SC અને OBC અનામતનો લાભ મળી રહ્યો છે, તેથી તેમને આદિજાતિમાં સામેલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
તાજેતરમાં, મણિપુર હાઇકોર્ટે રાજ્ય સરકારને મેતેઈ સમુદાયને આદિજાતિમાં સામેલ કરવાની માંગ પર વિચાર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પોતાનો અભિપ્રાય માંગ્યો હતો. જો કે, સરકાર દ્વારા માત્ર એક જ અવલોકન આપવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે 3 મેના રોજ આદિવાસી વિદ્યાર્થી સંઘ દ્વારા ચુરાચંદપુર જિલ્લામાં આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. હિંસા અહીંથી શરૂ થઈ અને ગણતરીના સમયમાં તે રાજ્યભરમાં ફેલાઈ જવા પામી હતી.