લોકસભા ચૂંટણી 2024 દરમિયાન, ખોટા ઈરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ગુજરાતના પાલનપુર નજીકથી સતીશ વર્સોલા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના PA છે. જ્યારે લીમખેડામાંથી આર.બી.બારીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે.
આ મામલે તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહે પોતે આગળ આવીને આ સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે આવી ક્રિયાઓ સ્પષ્ટપણે વિપક્ષની હતાશા અને નિરાશા દર્શાવે છે.
શું છે સમગ્ર મામલો?
અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. રવિવારે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી વીડિયો ફેલાવનારા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં તેમણે આવું કહ્યું ન હતું.
અમિત શાહે વિપક્ષને ઘેરી
વિપક્ષ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, ‘વિપક્ષની હતાશા અને નિરાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓનો નકલી વીડિયો બનાવીને સાર્વજનિક કરી દીધો છે. તેમના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ વગેરેએ પણ આ નકલી વિડિયો ફોરવર્ડ કરવાનું કામ કરી રહ્યા છે.
સદભાગ્યે, મેં જે કહ્યું તે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. અમે તે રેકોર્ડ બધાની સામે મૂક્યો, જેણે બધું સ્પષ્ટ કર્યું અને આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ફોજદારી ગુનાનો સામનો કરી રહ્યા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચા પર લઈ જવા માટે કામ કરી રહ્યા છે. હું માનું છું કે નકલી વિડિયો ફેલાવીને જાહેર સમર્થન મેળવવાનો પ્રયાસ નિંદનીય છે અને તે ક્યારેય કોઈ નેતા કે પક્ષ દ્વારા ન કરવો જોઈએ.