વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12 કલાકે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે.
1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ 1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે કરશે સંવાદ
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.