બ્રિક્સ સંમેલનની આગામી બેઠક 22 થી 24 ઓગસ્ટ દરમિયાન સાઉથ આફ્રિકામાં યોજાવાની છે.જેમાં આ સંગઠનમાં નવા સભ્ય દેશોને સામેલ કરવા પર ચર્ચા વિચારણા થશે.કુલ મળીને દુનિયાના 23 દેશોએ આ સંગઠનના સભ્ય બનવા માટે રસ દાખવ્યો છે. જો આ તમામ સંગઠનોને સામેલ કરવામાં આવે તો બ્રિક્સ સંગઠન જી-20 સંગઠનને ટક્કર આપે તેવુ સંગઠન બનશે તેવી શક્યતા છે. બ્રિક્સ સંગઠનમાં અત્યારે ભારત, રશિયા, બ્રાઝિલ, ચાઈના, સાઉથ આફ્રિકા સભ્ય છે.
આટલા દેશો સભ્ય થવા ઈચ્છે છે
જે દેશો આ સંગઠનના સભ્ય બનવા માંગે છે તેમાં અલ્જિરિયા, આર્જેન્ટીના, બાંગ્લાદેશ, બહેરીન, બેલારુસ, બોલિવિયા, વેનેઝુએલા, વિયેતનામ, હોન્ડૂરાસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, ક્યૂબા,કઝાખિસ્તાન, કુવૈત, મોરોક્કો, નાઈજિરિયા, યુએઈ, પેલેસ્ટાઈન, સાઉદી અરબ, સેનેગલ, થાઈલેન્ડ તેમજ ઈથોપિયાનો સમાવેશ થાય છે.
બ્રિક્સ સંગઠનમાં દુનિયામાં પાંચ જ દેશ સામેલ
હાલના તબક્કે બ્રિક્સ સંગઠનમાં દુનિયામાં પાંચ જ દેશ સામેલ છે પણ આ દેશોમાં દુનિયાની લગભગ અડધી વસતી રહે છે અને પાંચ દેશોની જીડીપી દુનિયાની 25 ટકા છે.જો બીજા 23 દેશોને સામેલ કરવામાં આવે તો વૈશ્વિક સમીકરણોમાં ઘણો બદલાવ આવી શકે તેમ છે.એમ પણ રશિયા અને ચીનની ઈચ્છા પશ્ચિમના દેશો કરતા અલગ સંગઠન બનાવવાની છે.જી-20માં હાલમાં જે સભ્ય દેશો છે તેમાં મોટાભાગના પશ્ચિમી દે્શો છે.
જી-20 સંગઠન પાસે હાલમાં દુનિયાની કુલ જીડીપીના 85 ટકા જીડીપી
જી-20 સંગઠન પાસે હાલમાં દુનિયાની કુલ જીડીપીના 85 ટકા જીડીપી છે તેમજ 75 ટકા વેપાર આ દેશો પાસે છે.આ દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઈન્ડિયા, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, સાઉદી અરબ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, તુર્કી, બ્રિટન, અમેરિકા તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંગઠન પણ ઉભરી રહ્યુ છે
આ ઉપરાંત અન્ય એક શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંગઠન પણ ઉભરી રહ્યુ છે.જેમાં પણ ભારત સભ્ય છે.મહત્વની વાત એ છે કે, આ તમામ સંગઠનોમાં ભારત એવો દેશ છે જે આ તમામ સંગઠનોમાં સભ્ય છે અને તેની તટસ્થતા પર અન્ય તમામ દેશો વિશ્વાસ કરે છે.