ફેસબુક પર બનેલા મિત્ર સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી ગયેલી અંજૂ નામની 34 વર્ષીય ભારતીય મહિલા પાકિસ્તાન સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ભારત આવી રહી છે. બે બાળકોની માતા અંજૂના પાકિસ્તાની પતિએ આ જાણકારી આપી છે. પાકિસ્તાને ઓગષ્ટ મહિનામાં અંજૂના વીઝા એક વર્ષ માટે વધારી દીધા હતા. ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ અને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ અંજૂનું નામ બદલીને ફાતિમા કરી દેવામાં આવ્યુ હતું.
ભારતમાં પોતાના બાળકોને મળ્યા બાદ પાકિસ્તાન પરત ફરશે: નસરુલ્લાહ
અંજૂના પાકિસ્તાની પતિએ જણાવ્યું કે, અમે ઈસ્લામાબાદમાં ગૃહ મંત્રાલય તરફથી NOCની રાહ જોઈ રહ્યા છીએ અને જેના માટે અમે અરજી કરી દીધી છે. NOC પ્રક્રિયા થોડી લાંબી છે અને તેને પૂર્ણ થવામાં સમય લાગે છે.’ તેમણે કહ્યું કે વાઘા બોર્ડર પર આવવા-જવા માટેના દસ્તાવેજો પૂરા થતાં જ અંજૂ ભારત જશે. તેણે કહ્યું કે, તે ભારતમાં પોતાના બાળકોને મળ્યા બાદ પાકિસ્તાન પરત ફરશે.
નસરુલ્લાહે કહ્યું કે, હું આશા કરું છું કે, ભારત સરકાર અંજૂ સાથે સારું વર્તન કરશે. અંજૂ પોલીસના દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. પરંતુ જે રીતે ભારતમાં તેને લઈને વાતો ઊડી છે તેને જોતા હું ડરી ગયો છું. મને ડર છે કે, અંજૂ સાથે કંઈ ખોટું ન થઈ જાય. અંજૂના પાકિસ્તાની પતિ નસરુલ્લાહે કહ્યું કે, સૌથી પહેલા તે પોતાના બાળકો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ આગળનો જે કંઈ પણ નિર્ણય હશે તે પોતે લેશે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે, જ્યારે તે ભારત આવશે ત્યારે તેના બાળકો અંજૂનો સ્વીકાર કરશે કે નહીં.