શહેરમાં એસજી હાઈવે પર અકસ્માતોના આંકડા વધી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ એસજી હાઈવે લોકો માટે મોતનો હાઈવે બની રહ્યો છે. ત્યારે સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલકે યુવકને ટક્કર મારતાં યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતાં જ કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે યુવકને ટક્કર મારનાર કાર ચાલકની અટકાયત કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં સોલા હાઈકોર્ટ સામેના બ્રિજ પર એક કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતક યુવક 15 દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરથી અમદાવાદ આવ્યો હતો. પોલીસે યુવકને ટક્કર મારનાર કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પકવાન બ્રિજ પર ટ્રકનું ટાયર ફાટતાં ટ્રાવેલ્સની બસ પાછળની સાઈડે ધડાકાભેર અથડાઈ હતી.