ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લાગવાથી આ ચાઇનીઝ એપ કંપનીને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતમાં પ્રતિબંધ બાદ હવે ન્યૂયોર્ક સિટીએ પણ આ એપને પ્રતિબંધિત કરી દીધી છે. તેની પાછળનું કારણ સુરક્ષા હોવાનું કહેવાય છે. ન્યુયોર્ક સિટી મેયર એરિક એડમ્સના પ્રવક્તા જોના એલને જણાવ્યું હતું કે શહેરના સાયબર કમાન્ડે જાણ કરી છે કે એપ શહેરના ટેક્નિકલ નેટવર્ક માટે સુરક્ષા માટે ખતરો છે. તમામ એજન્સીઓને 30 દિવસની અંદર તેને રિમૂવ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત કર્મચારીઓ તેનો ઉપયોગ સરકારી ઉપકરણો અને નેટવર્ક પર કરી શકશે નહીં.
USAમાં ટિકટોકનો યુઝરબેઝ 150 મિલિયનથી વધુ
USAમાં ટિકટોકનો યુઝરબેઝ 150 મિલિયનથી વધુ છે અને એપ ચીનની ટેક કંપની ByteDanceની માલિકીની છે. સુરક્ષાના કારણોસર આ એપને ઘણી જગ્યાએ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. જો કે ટિકટોકે કહ્યું છે કે તે અમેરિકન યુઝર્સનો ડેટા ચીન સરકાર સાથે શેર કરતું નથી.
ટિકટોક પર પ્રતિબંધ મુકવા પસાર કરાયું બિલ
એપ્રિલની શરૂઆતમાં મોન્ટાના લોમેકરે પણ એક બિલ પસાર કર્યો અને લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ટિકટોકે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આટલું જ નહીં, FBI ડાયરેક્ટર સહિત અમેરિકન સુરક્ષા અધિકારી ક્રિસ્ટોફર રેએ પણ કહ્યું કે ટિકટોક ખતરો પેદા કરી શકે છે.
ભારતમાં વર્ષ 2020થી ટિકટોક પર પ્રતિબંધ
ભારતમાં વર્ષ 2020માં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેની પાછળ સુરક્ષાને કારણ બતાવવામાં આવ્યો હતો. જૂન 2020માં ભારત સરકારે ટિકટોક અને હેલો સહિત 59 ચાઇનીઝ એપ્સને બંધ કરી દીધી હતી. જો કે કંપનીએ થોડા સમય માટે પ્રતિબંધ ખુલવાની રાહ જોઈ, તે પછી કંપનીએ ભારત છોડવાનો નિર્ણય કર્યો હતો.