ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર કન્ટેન્ટ જોવા અથવા સર્ફિંગ કરવાની મંજૂરી રાખશે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની પોસ્ટ કરી શકશે નહીં, તેમજ લાઇક, શેર કે કોમેન્ટ કરવાનું પણ પ્રતિબંધિત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનો અને સંવેદનશીલ માહિતી લીક થતી અટકાવવાનો છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર જાગૃતિ અને માહિતી મેળવવા પૂરતો સીમિત રાખવામાં આવ્યો છે. જો કોઈ સૈનિકને સોશિયલ મીડિયા પર ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી નજરે પડે, તો તેને તાત્કાલિક પોતાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે, જેથી ફેક ન્યૂઝ અને પ્રોપેગન્ડા સામે સમયસર પગલાં લઈ શકાય. આ રીતે સેના માહિતીની ચોકસાઈ અને દેશની સુરક્ષા બંનેને પ્રાથમિકતા આપી રહી છે.
તાજેતરમાં ‘ચાણક્ય ડિફેન્સ ડાયલોગ’ દરમિયાન સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજની ‘જન ઝી’ પેઢી માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જીવનનો એક ભાગ બની ગયા છે, જે સેનાની પરંપરાગત શિસ્ત સાથે ક્યારેક ટકરાવ સર્જે છે. તેમણે કહ્યું કે NDAમાં આવનારા યુવાન કેડેટ્સને શરૂઆતમાં ફોન વગરની જિંદગી સ્વીકારવામાં સમય લાગે છે, પરંતુ શિસ્ત અને જવાબદારી શીખવવી જરૂરી છે.
જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે સેના સ્માર્ટફોનના ઉપયોગ સામે નથી, કારણ કે ફિલ્ડમાં રહેલા જવાનો માટે પરિવાર સાથે સંપર્ક, બાળકોની સ્કૂલ ફી ભરવી કે માતા-પિતાની તબિયત અંગે માહિતી મેળવવી જેવી બાબતો માટે ફોન અનિવાર્ય છે. જોકે, તેમણે સોશિયલ મીડિયા પર તરત પ્રતિક્રિયા આપવાની વૃત્તિથી દૂર રહેવાની સલાહ આપી. તેમણે ‘રિએક્ટ’ અને ‘રિસ્પોન્ડ’ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે ઉતાવળમાં આપેલી પ્રતિક્રિયા ઘણી વખત વિવાદ ઊભો કરે છે, તેથી જવાનોને માત્ર કન્ટેન્ટ જોવાની છૂટ આપવામાં આવી છે, જવાબ આપવાની નહીં.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હની ટ્રેપના કેસો અને સંવેદનશીલ માહિતી લીક થવાની ઘટનાઓ બાદ 2020માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત 89 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે પહેલાં પણ 2017 અને 2019માં સોશિયલ મીડિયા અંગે કડક માર્ગદર્શિકાઓ લાગુ કરવામાં આવી હતી. હાલ સેના ફેસબુક, યુટ્યુબ, X, લિંક્ડઇન, ક્વોરા, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સનો મર્યાદિત અને કડક મોનિટરિંગ સાથે ઉપયોગ કરવાની છૂટ આપે છે. નવા નિયમો સાથે ભારતીય સેના સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને શિસ્ત સાથે કોઈ સમજૂતી નહીં થાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel